ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરવામાં આવે તેવી તેમની માગ છે. સરકાર સુધી તેમની માગ પહોંચાડવા માટે તેમણે અલગ અલગ રીતે આંદોલન કર્યા હતા. આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ ઉમેદવારોના સમર્થનમાં આવી. આમ આદમી પાર્ટી દ્વારા દાંડી યાત્રા 2.0નું આયોજન કરાયું, તે ઉપરાંત અલગ અલગ સ્થળો પર આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી પરંતુ તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવ્યું. દિવાળીની ઉજવણી થઈ રહી છે ત્યારે યુવરાજસિંહે એક વીડિયો શેર કર્યો છે જેમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોની દિવાળી કેવી છે તે બતાવ્યું છે.
ભાવિ શિક્ષકો કરી રહ્યા છે જ્ઞાન સહાયકનો વિરોધ
રાજ્યમાં શિક્ષણનું સ્તર સતત ઘટી રહ્યું છે. શાળાઓના અનેક વખત એવા સમાચાર આવે છે જે જોઈને લાગે કે આ શાળા વિકાસશીલ ગણાતા ગુજરાતની છે? શિક્ષણની સ્થિતિ પ્રતિદિન લથડતી જઈ રહી છે. કોઈ શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી તો કોઈ વખત શાળાની સ્થિતિ એકદમ ગંભીર છે. ત્યારે ગુજરાતના ભાવિ શિક્ષકો પોતાની માગ સાથે આંદોલન કરી રહ્યા છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. જ્ઞાન સહાયકને રદ્દ કરવામાં આવે. કરાર આધારિત ભરતીને લઈ અનેક વખત ઉમેદવારોએ એવી વાત પણ કહી છે કે નેતાઓને, પદાધિકારીઓને તેમજ નેતાઓને પણ કરાર પર રાખવા જોઈએ. તેમનું એવું પણ કહેવું છે કે જે શિક્ષકોનું પોતાનું ભવિષ્ય ઉજવળ નથી તે બાળકોના ભવિષ્યને કેવી રીતે ઉજવળ કેવી રીતે બનાવી શકે?
યુવરાજસિંહે વીડિયો કર્યો છે શેર
આંદોલન કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આવ્યા છે. અનેક વખત જ્ઞાન સહાયક મુદ્દે તેમણે નિવેદન આપ્યું છે. ત્યારે દિવાળીનો પર્વ ભાવિ શિક્ષકો માટે કેવો છે તેનો વીડિયો શેર કર્યો છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી વાત યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી છે. હવે જોવું રહ્યું કે ઉમેદવારોનું આ આંદોલન શું રંગ લાવે છે..