ટેટ ટાટના ઉમેદવારો ગાંધીનગર ખાતે આજે આંદોલન કરવાના હતા. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી તેમની માગણી છે. કરાર આધારિત ભરતીનો વિરોધ ગુજરાતના ભાવિ શિક્ષકો કરી રહ્યા છે. જ્ઞાનસહાયક રદ્દ કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. આજે જ્યારે ગાંધીનગર ખાતે રજૂઆત કરવા ઉમેદવારો ગયા હતા ત્યારે પોલીસે તેમને ડિટેઈન કરી દીધા હતા. જે રીતે ઉમેદવારોને ગાડીમાં બેસાડવામાં આવ્યા હતા તે જોઈને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે જે પ્રમાણે ભાવિ શિક્ષકો સાથે વ્યવહાર થયો છે તેને લઈ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ટ્વિટ કરી છે.
ગાંધીનગર ખાતે ટેટ-ટાટના ઉમેદવારો કરવાના હતા આંદોલન
ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ દિવસેને દિવસે ખખડતી જઈ રહી છે. અનેક શાળો એવી છે જ્યાં શિક્ષકો નથી તો અનેક શાળાઓ એવી છે જ્યાં વિદ્યાર્થીઓ છે, શિક્ષકો છે પરંતુ સ્કૂલ નથી. શાળા છે તો જર્જરિત હાલતમાં છે. શિક્ષકો ના હોવાને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડે છે. વિદ્યાર્થીઓ સરખી રીતે અભ્યાસ કરી શક્તા નથી. ત્યારે યુવરાજસિંહ જાડેજા પણ ટેટ-ટાટના ઉમેદવારોના સમર્થનમાં આવ્યા હતા. આંદોલન કરવાની પણ તૈયારી તેમણે દર્શાવી હતી.
યુવરાજસિંહ જાડેજાએ આ મામલે કર્યું ટ્વિટ
ત્યારે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માગ સાથે ગાંધીનગર ખાતે ઉમેદવારો પહોંચ્યા હતા. મુખ્યમંત્રી સુધી ઉમેદવારો પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. હજી સુધી જ્યારે જ્યારે પણ ઉમેદવારો રજૂઆત માટે ગયા છે ત્યારે ત્યારે તેમની સાથે પોલીસ દ્વારા આવો વ્યવહાર કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે યુવરાજસિંહ જાડેજાએ ટ્વિટ કર્યું છે જેમાં તેમણે લખ્યું છે કે ભાવિ ઘડતર કરનાર શિક્ષકોની આ હાલત માટે જવાબદાર 156+3ને શિક્ષક દિવસની શુભેચ્છાઓ.