આપના નેતા યુવરાજ સિંહએ દાવો કર્યો છે કે, આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં કૌભાંડ થયું છે. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં શિક્ષણની હાટડી ચલાવી રહેલા અમુક શાળા સંચાલકોએ આમાં સીધો લાભ લીધો છે. આ એવા લોકો છે જે ક્યાંય પણનીતિ નિયમોમાં ફીટ બેસતા નથી. તેમણે દાવો કર્યો કે કૌભાંડ તેના આધાર, સાક્ષી અને પુરાવા અમારી પાસે છે. તેમણે કહ્યું આ યોજના લોન્ચ કરવામાં આવી ત્યારે તેના લાભાર્થીઓ નાના વેપારીઓ, દુકાનદારો, ફેરિયાઓ હતા. કોરોનાકાળમાં 5,000 કરોડની આ યોજના શરૂ કરવામાં આવી હતી.
કેવી રીતે રચાયું હતું સમગ્ર કૌભાંડ
આ યોજનાના ક્રાઈટેરિયામાં છે કે રિક્ષા ચાલક, દુકાનદાર, ફેરિયાઓને લોન મળવાપાત્ર છે. ઓછા વ્યાજ દરે લોન મળતી હતી જેમાં છ મહિના સુધી વ્યાજ ભરવાનું આવતું ન હતું અને તેમને દાવો કરાયો છે કે વર્તમાનમાં આ યોજનાના લાભાર્થીઓ શિક્ષાની હાટડી ચલાવતા શાળા સંચાલકો છે. જેમણે શિક્ષકોને હાથો બનાવીને શિક્ષકોના નામે લોન લઈને પોતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા. જેનો અમારી પાસે આધાર અને પુરાવો છે. અરજી કરવા માટેની તારીખ 21 મેથી 31 ઓગસ્ટ હતી પરંતુ વિનોદભાઈની 26 ઓગસ્ટના લોન પાસ થઈ ગઈ હતી. જો અરજી કરવા માટેની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ હતી તો તે પહેલા લોન કઈ રીતે પાસ થઈ તે એક મોટો સવાલ છે? જેના પરથી ખબર પડે છે કે આ એક સુનિયોજિત કાવતરું છે, જે સરકારની રહેમરાહ નજરની નીચે તેમના મળતિયાઓએ કૌભાંડ આચર્યું છે.
યુવરાજસિંહનો સરકાર પર કૌભાંડનો દાવો
આપ નેતા યુવરાજ સિંહે GSC ગુજરાત સ્ટેટ કૉઓપરેટિવ સામે પણ કેટલાક પ્રશ્નો કર્યા છે. ખાનગી સંસ્થામાં કામ કરતા પગારદાર કર્મચારીઓને આ યોજનાનો લાભ મળી શકે નહીં તેવું પુરાવાની અંદર લખ્યું છે, તો સરકારે બનાવેલા આ નિયમથી વિપરીત શા માટે જવું પડ્યું? GSCએ ધારા ધોરણનું ઉલ્લંઘન કરી લોન કેમ આપી? બેંક દ્વારા આવક મર્યાદા અને વ્યવસાયને ધ્યાનમાં લીધા વિના લોન કેવી રીતે આપવામાં આવી? GSCએ શાળાઓમાં શા માટે કેમ્પ કર્યા? GSC બેંક એ સરકારના ઇશારે કેટલી શાળાઓમાં કેમ કર્યા? શાળાઓમાં કરેલા કેમ્પની સરકારને જાણ હતી ખરી? જે સાચા લાભાર્થીઓ હતા તેની જગ્યાએ 70થી 80 હજાર પગારદાર લોકોને લોન કેવી રીતે આપવામાં આવી?
કૌભાંડ સામે અવાજ ઉઠાવનારને કર્યા રજૂ
આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના કૌભાંડના પીડિત અને સાક્ષી તથા કૌભાંડ વિરુદ્ધ અવાજ ઉઠાવનાર વિનોદભાઈ ચૌહાણ પણ ત્યાં હાજર હતા અને તેમને પણ પોતાનો પક્ષ રાખતા કહ્યું, એક સામાન્ય શિક્ષક અને ગુજરાતના નાગરિક તરીકે હું એ વાતનો ખુલાસો કરું છું કે, નાના માણસો માટે 5000 કરોડ રૂપિયાનું મોટું પેકેજ હતું. આ પેકેજમાં જે ફેરિયાઓ હતા, રીક્ષા ચાલક હતા, પાથરણા વાળા હતા કે નાના વેપારીઓ હતા તેમણે લાભ લેવાનો હતો. જે લોકોને કોરોનાના કપરા કાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ૨૦ લાખ કરોડના પેકેજમાંથી ગુજરાતને 5000 કરોડનું પેકેજ આપ્યું હતું.
આ યોજનાના અસલી હકદાર કોણ?
આ 5000 કરોડ રૂપિયાનું પેકેજ નાના વ્યવસાયકારો માટે હતું. પરંતુ તેમાંથી પૂર્વ આયોજિત કૌભાંડ આચરવા શાળા સંચાલકોએ શિક્ષકોનો ઉપયોગ કરી પોતાના ખિસ્સા ભર્યા છે. સરકાર આ બાબતે ચૂપ રહી, મળતિયાઓને લોન મળી, અને જીએસસી બેંક દ્વારા શાળા સંચાલકોની સ્કૂલમાં સરળતાથી કેમ્પેઈન કરીને આ લોન આપવામાં આવી હતી. આ લોનના સાચા હકદાર લોકો અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં બસ લાઈનમાં જ ઉભા રહી ગયા અને જે શિક્ષકો આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ આવતા ન હતા. તે શિક્ષકોને લોન આપવામાં આવી અને કૌભાંડ આચરવામાં આવ્યું.