સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દેનારા ભાવનગર ડમી ઉમેદવાર કાંડ અને તોડકાંડ પ્રકરણમાં એક કરોડની ખંડણી ઉઘરાવવાના કેસમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને તેના બે સાળા સહિત 6 શખ્સો સામે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ભાવનગર તોડકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહને આજે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. પોલીસે યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજુ કરી વધુ રિમાન્ડની માંગ કરી હતી જો કે કોર્ટે તેમના તેમના જામીન નામંજુર કરતા કોર્ટે તેમને જેલમાં મોકલી આપ્યા છે.
યુવરાજ સિંહ જેલ હવાલે
એક કરોડ રૂપિયાના તોડકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને જેલ હવાલે કરવાનો ભાવનગર કોર્ટે હુકમ કર્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો. યુવરાજસિંહ ઉપરાંત તેમના સાળા કાનભા ગોહિલને અને અલ્ફાઝ ઉર્ફે રાજુ પઠાણને પણ જેલ હવાલે કરવામાં આવ્યો છે. તેમને લઇ પોલીસ દ્વારા જિલ્લા જેલ ખાતે હાજર કરવામાં આવ્યા છે.
આ તો હજુ શરૂઆત છે: યુવરાજ સિંહ
ભાવનગર તોડકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહને આજે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં લઈ જતા પહેલા યુવરાજ સિંહે મીડિયા સમક્ષ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે આ તો માત્ર હજુ એક શરૂઆત છે, અંત હજુ બાકી છે. આ તો હજુ અલ્પવિરામ છે પૂર્ણવિરામ નથી. વધુમાં તેમણે કહ્યું કે સમય જવા દો, પાંચ પાંડવો આવશે અને બીજું પણ ઘણું સામે આવશે.
અત્યાર સુધી 84 લાખ રિકવર
ભાવનગર તોડકાંડ મામલે પોલીસે યુવરાજ સિંહના સાળા શિવુભા પાસેથ રૂ. 7.50 લાખ કબજે કર્યા છે. આ તોડકાંડ કેસમાં પોલીસે અત્યાર સુધી 84 લાખ જેટલી રકમ રિકવર કરી છે. આ મામલે પોલીસે યુવરાજ સિંહની સાથે તેમના સાળા કાનભા ગોહિલ તેમજ તોડકાંડમાં છઠ્ઠા આરોપી અલ્ફાઝખાન પઠાણ ઉર્ફે રાજુની ધરપકડ ઉર્ફે રાજુને પણ કોર્ટમાં રજૂ કર્યા હતા.