તોડકાંડ મામલે દરરોજ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ હાલ યુવરાજસિંહ અને તેમના મળતીયાઓ સામે જ તપાસ ચલાવી રહી છે. આ તપાસમાં અવનવા ઘટસ્ફોટ થતા જોવા મળે છે. જેમ કે આજે યુવરાજ સિંહના સાળા શિવભદ્રસિંહ ગોહિલે (શિવુભા)એ ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે. હવે તેમના એક મિત્ર પાસેથી પોલીસે રૂ. 25,50,000 કબ્જે કર્યા છે.
મિત્રએ રૂપિયા હોવાની કરી કબુલાત
ભાવનગર પોલીસના જણાવ્યા પ્રમાણે શિવુભાના મિત્ર સંજય ખીમજી જેઠવાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. તેણે પોલીસ સ્ટેશન આવીને જણાવ્યું હતું કે તેમના મિત્ર શિવુભા ગોહિલ થોડા દિવસો પહેલા તેના ઘરે આવ્યા હતા અને એક થેલો તેમને રાખવા માટે આપ્યો હતો. અને કહ્યું હતું કે તે સાચવીને રાખજે અને હું આવું ત્યારે તે મને પરત આપી દેજે" પોલીસે તે થેલો સરકારી પંચોની હાજરીમાં ખોલ્યો હતો તેમાંથી રોકડ મળી આવી હતી. પોલીસે નાણાની ગણત્રી કરતા 25,50,000 રૂપિયા મળી આવ્યા હતા.
નાણા ઉપરાંત હાર્ડ ડિસ્ક મળી
નાણા ઉપરાંત આ થેલામાંથી પોલીસને એક હાર્ડ ડિસ્ક પણ મળી આવી છે. આ અંગે સંજય જેઠવાએ આ હાર્ડડિસ્ક વિક્ટોરિયા પ્રાઇમ ખાતે આવેલી ઓફીસના સીસીટીવીની છે. જેના પગલે આ હાર્ડ ડ્રાઇવ પણ FSLને મોકલી આપવામાં આવી હતી. આટલી મોટી રકમ મળી આવતા તપાસ કરતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે.