આમ આદમી પાર્ટીના નેતા અને જાણીતા વિદ્યાર્થી આગેવાન યુવરાજ સિંહ જાડેજા સરકારી ભરતીઓમાં ચાલતી ગેરરીતિઓને સતત બહાર લાવતા રહે છે. આજે યુવરાજ સિંહે યોજેલી એક પ્રેસ કોન્ફરર્ન્સમાં PSIની ટ્રેનિંગ લઈ રહેલા એક યુવાનનો ભાંડો ફોડ્યો છે. મયુર તડવી નામનો આ યુવાન કોઈ પણ પરીક્ષા પાસ કર્યા વગર જ કરાઈ પોલીસ એકેડેમીમાં હાલ PSIની ટ્રેનિંગ લઈ રહ્યો છે.
યુવરાજ સિંહે શું આરોપ લગાવ્યો
યુવરાજ સિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં આરોપ લગાવતા કહ્યું કે મયૂર તડવી નામના યુવાનનું ફીઝીકલમાં કે ફાઈનલ રીઝલ્ટમાં નામ નથી. તેમ છતાં પણ તે કરાઈ પોલીસ એકેડેમીમાં હાલ PSIની ટ્રેનિંગ લઈ રહ્યો છે. યુવરાજ સિંહે સવાલ ઉઠાવ્યો કે આ ભાઈ પોલીસ ટ્રેઈનિંગ સેન્ટર સુધી કેવી રીતે પહોંચ્યો?, ટ્રેઈનિંગ પહેલા કરાઈ પોલીસ એકેડેમીમાં તેના ડોક્યુમેન્ટ વેરિફાય કેમ ન કરવામાં આવ્યા?, આ ભરતી કૌંભાડ પાછળ યુવરાજ સિંહએ ઉચ્ચ અધિકારીઓ અને બિરસા મુંડા ભવનની મિલીભગતનો આરોપ લગાવ્યો છે, વળી આ યુવાન એક મહિનાથી પગાર લઈ રહ્યો છે.
પોલીસ એકેડેમીમાં ધુપ્પલ ચાલે છે?
યુવરાજ સિંહ જાડેજાએ કરાઈ પોલીસ એકેડેમીને પણ નિશાન બનાવી છે. તેમણે કરાઈ એકેડેમીમાં ચાલી રહેલી ગેરરીતીઓ પર સીધો સવાલ ઉઠાવ્યો છે તેમણે કહ્યું કે પોલીસ ટ્રેઈનિંગમાં મયૂર તડવીને ચેસ્ટ નંબર આપવામાં આવ્યો છે. કરાઈ એકેડેમી ટ્રેઈનિંગ સેન્ટરમાં મયૂર લાલજીભાઈ તડવીનો ચેસ્ટ નંબર 140 છે. મયૂર લાલજીભાઈ તડવી હાલ કરાઈ ટ્રેઈનિંગ સેન્ટરમાં તાલીમ લઈ રહ્યા છે.