સમગ્ર રાજ્યમાં પેપર લીક કાંડને લઈ આક્રોસનો માહોલ છે અને ઉમેદવારો ધરણા- પ્રદર્શનો કરી પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આપના નેતા યુવરાજ સિંહ જાડેજાએ પેપર લીક મુદ્દે કેટલાક સનસનીખેજ ખુલાસા કર્યા છે. આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને યુવરાજ સિંહે આ ઘટસ્ફોટ કર્યા હતા. યુવરાજસિંહ જાડેજાએ પત્રકારોને જણાવ્યું કે, રવિવારના રોજ પરીક્ષામાં પેપર ફૂટવાની સંભાવના વ્યક્ત કરી હતી અને તેના જ ભાગરૂપે જે તપાસ થઇ તેની ATSએ તપાસ કરી. ATSએ કરેલી તપાસમાં જે પણ નામ સામે આવ્યા છે, જે 16 શંકાસ્પદ વ્યક્તિઓ પેપર ફોડવાની ઘટના સાથે સંકળાયેલા હતા તેઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. ખાસ કરીને જે નામ જાહેર થયા છે તેમાં મુખ્ય 3 વ્યક્તિઓ કે ભાસ્કર ચૌધરી, કેતન બારોટ અને હાર્દિક શર્મા (પ્રાંતિજ) કે જેઓ માત્ર જુનિયર ક્લાર્કના પેપર લીક સાથે જ સંકળાયેલા નથી. તેઓ કેન્દ્ર સરકાર દ્વારા તમામ ઓનલાઇન પરીક્ષાના કૌભાંડ સાથે સીધા સંકળાયેલા છે. જેમ કે, ભૂતકાળમાં જે-જે પણ પરીક્ષાઓ લેવાઇ છે તેમાં મેડિકલમાં એડમિશન અપાવવાના બહાને પણ 70થી 80 લાખ રૂપિયા ઉઘરાવેલા છે.'
PMOને આપ્યા પુરાવા
પેપર લીક કાંડના પુરાવા અંગે યુવરાજ સિંહે કહ્યું કે અમારી પાસે જેટલાં પુરાવા છે તે તમામ PMOના ડેશબોર્ડમાં મોકલી આપ્યા છે, હજુ બીજા પણ આધાર પુરાવા છે. ATS ચીફને અમે તમામ પુરાવા આપવા માંગીએ છીએ.' વધુમાં તેમણે કહ્યું કે, 'ઉર્જા વિભાગનું એક વર્ષ પહેલાં 4 જાન્યુઆરી 2021ના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને મે જાણ કરેલી કે ઉર્જા વિભાગમાં સિસ્ટમેટિક ઓનલાઇન સ્કેમ ચાલી રહ્યું છે. એની સાથે પણ આ જ વ્યક્તિઓ સીધી રીતે સંકળાયેલા છે. આ જ ભાસ્કર ચૌધરી અને તેની બીજી ગેંગ કે જે અન્ય રાજ્યોના ખોટા સર્ટિફિકેટનો ધંધો ચલાવતા હતા. જેનું અમે આજથી 1 વર્ષ પહેલાં સ્ટિંગ પણ કર્યું હતું."
કેતન બારોટ છે માસ્ટરમાઈન્ડ
યુવરાજ સિંહ જાડેજાએ કહ્યું કે, 'કેતન બારોટ કે જે અરવલ્લી સાથે સંકળાયેલો છે અને અરવલ્લી પેપર લીકમાં એપી સેન્ટર રહ્યું છે. કેતન બારોટનું મોસાળ નરસિંહપુર છે. અવિનાશ પટેલ પેપર લીકમાં સીધો જોડાયેલો છે. અવિનાશ પટેલના પત્ની અને અન્ય સંબંધી ઉર્જા વિભાગમાં નોકરી કરે છે. અવિનાશના પત્નીનું સર્ટિફિકેટ ખોટું છે.'
નિશિકાંત સિંહાની ટોચના બ્યુરોક્રેટ સાથે સાંઠગાંઠ
યુવરાજ સિંહએ જણાવ્યું કે, અવિનાશ પટેલ કે જે અરવિંદ પટેલનો ભાણો છે. મનહર પટેલ, અરવિંદ, અવિનાશ પટેલ અને અજય પટેલ સાથે જોડાયેલા છે. LRD પરીક્ષામાં પેપર લીક થવાની ઘટનામાં પણ આરોપીઓ સંકળાયેલા છે. 2014 પછીની ભરતીની તપાસ CBI અથવા SIT દ્વારા કરવામાં આવે. મોબાઈલ ડિટેઈલના માધ્યમથી આ તમામ બાબતો સ્પષ્ટ થશે. નિશિકાંત સિંહાની ભૂમિકા આમાં મુખ્ય રહેલી છે તેની ધરપકડ થવી જોઈએ, તે રાજકીય વગ ધરાવે છે. નિશિકાંત સિંહા બ્યુરોક્રેટ સાથે જોડાયેલ છે. ભાસ્કર ચૌધરીને તિહાડ જેલમાંથી નિશિકાંત સિંહાએ છોડાવ્યો હતો. નિશિકાંત સિંહા, ભાસ્કર ચૌધરી, કેતન બારોટ આ સમગ્ર સ્કેન્ડલ સાથે જોડાયેલા છે. 2016થી આ તમામની ભૂમિકા શંકાસ્પદ રહેલી છે. છેલ્લાં 4 વર્ષમાં તેમની 10 કરોડ કરતા વધુની પ્રોપર્ટીમાં વધારો થયો છે. કેન્દ્ર સરકારની તમામ ઓનલાઇન ભરતીમાં ફ્રોડ કરવામાં આવ્યું છે. ત્યારે સિસ્ટમમાં રહેલો સડો દૂર કરવો જરૂરી છે.'