આગામી લોકસભા ચૂંટણીને લઈને રાજકારણમાં મોટા ફેરફાર જોવા મળે તો નવાઈ નહીં. ભાજપમાં આંતરિક ખેંચતાણ ચાલી રહી છે. તો આમ આદમી પાર્ટીના નેતાઓ પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. શક્તિ સિંહ ગોહિલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બન્યા પછી પાર્ટીમાં ભરતી અભિયાન તેજ બન્યું છે. આજે આપ નેતા અને જાણીતા વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાની કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાથેની મુલાકાતની તસવીરો સામે આવતા રાજકારણ ગરમાયું છે. યુવરાજ સિંહ જાડેજા કાંઈક નવાજુની કરશે તેને લઈને અટકળોનું બજાર ગરમ થયું છે.
યુવરાજસિંહે આ વાતનો કર્યો ઈન્કાર
26 ઓગસ્ટે યુવરાજસિંહ જાડેજાનો બનાસકાંઠાના થરાદ ખાતે કાર્યક્રમ હતો જેમાં તે યુવાનોના પ્રશ્નો મુદ્દે વાત કરી રહ્યા હતા અને યુવાનોના પરીક્ષા લગતા જેટલા મુદ્દા હોય તે કેવી રીતે નિકાલ કરી શકાય તેની વાત કરી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ બાદ યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસના નેતાઓ સાથે ભોજન પણ લીધું હતું. આ મુલાકાતથી યુવરાજસિંહ કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગ્રેસના બંને નેતાઓ હાજર હોવાના કારણે એવી વાતો થવા લાગી કે યુવરાજસિંહ જાડેજા કોંગ્રેસમાં જોડાશે આ સમગ્ર મામલે સત્યતા શું છે એ જાણવા માટે જમાવટે યુવરાજસિંહ જાડેજા સાથે ફોન પર વાત કરી તો તેમણે આ વાતનો ઈન્કાર કર્યો હતો.