છેલ્લા ઘણા સમયથી યુવરાજસિંહ વિદ્યાર્થીઓના મુદ્દાઓને લઈ અનેક ઘટસ્ફોટ કરી રહ્યા છે. થોડા સમય પહેલા જુનિયર ક્લાર્ક પેપર ફૂટ્યા હોવાની માહિતી યુવરાજસિંહ લઈને આવ્યા હતા. જે બાદ કોમ્પ્યુટર પેપર ફૂ્ટ્યાની માહિતી લઈને યુવરાજસિંહ આવ્યા હતા. અનેક વાતોનો ઘટસ્ફોટ યુવરાજસિંહ પુરાવા સાથે કરતા હોય છે. .ત્યારે આજે ફરી એક વખત યુવરાજસિંહે ઘટસ્ફોટ કર્યો છે જેમાં તેમણે આક્ષેપ લગાવ્યો છે.
પરીક્ષામાં ડમી વિદ્યાર્થી બેસતા હોવાનો યુવરાજસિંહનો આક્ષેપ
પ્રેસ કોન્ફરન્સમાં યુવરાજસિંહે આક્ષેપ કર્યો હતો કે પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. તેમના દાવા મુજબ ન માત્ર સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓ બેસે છે પરંતુ બોર્ડની પરીક્ષામાં પણ ડમી વિદ્યાર્થીઓ બેસી પરીક્ષા આપે છે. યુવરાજ સિંહે પૂરાવા સાથે ઉપરાંત નામ સાથે આરોપો લગાવ્યા છે. ભાવનગરના તળાજા પંથક અને શિહોર પંથકના ગામડાઓમાં આવું થતું હોવાનો આક્ષેપ યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે.
નામ સાથે યુવરાજસિંહે આ વ્યક્તિઓ પર લગાવ્યા આક્ષેપ!
યુવરાજસિંહના દાવા મૂજબ ક્લાસ-3, 2021-22માં ભાવેશભાઈ રમેશભાઈ જેઠવાની જગ્યાએ મીલન ઘૂઘાભાઈએ પરીક્ષા આપી હતી. Laboratory Technician 2021-22ની પરીક્ષામાં કવિતકુમાર નીતિનભાઈ રાવની બદલીમાં મીલન ઘૂઘાભાઈએ પરીક્ષા આપી હતી. તે ઉપરાંત ક્લાસ-3, 2021-22માં અંકિત નરેન્દ્રભાઈ લકુમની જગ્યાએ વિમલે પરીક્ષા આપી હતી અને ક્લાસ -3, 2021-22માં જયદીપભાઈ વાલજીભાઇ રમણાની જગ્યાએ કલ્પેશ પંડ્યાએ પરીક્ષા આપી હતી.
સરકાર પાસે યુવરાજસિંહે કરી આ માગ
વધતી ગેરરીતીને જોતા સરકાર પાસે યુવરાજસિંહે માગણી કરી છે કે તમામ વિદ્યાર્થીઓને ક્રોસ ચેક કરવામાં આવે અને તેમની સાથે સાથે તેમના એજન્ટોને પણ પકડવામાં આવે. તેમણે એવી પણ માગણી કરી હતી 2016 પછીની તમામ ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોને ક્રોસ ચેક કરવામાં આવે.