ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યા છે તેવું કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય. ટેટ-ટાટ ઉમેદવારો કાયમ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ સાથે અનેક વખત વિરોધ કરી રહ્યા છે. હવે એસટી વિભાગના કર્મચારીઓ પણ લડી લેવાના મૂડમાં દેખાય છે. ફિક્સ પેના કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. એસટી બસના કર્મચારીઓને હડહડતો અન્યાય થયો છે તેવી વાત કર્મચારીઓ કરી રહ્યા છે. ત્યારે એસટી કર્મચારીઓના સમર્થનમાં યુવરાજસિંહ આવ્યા છે. તેમણે વીડિયો શેર કરી આ અંગેની વાત કરી હતી.
યુવરાજસિંહ આવ્યા એસટી વિભાગના કર્મચારીઓના સમર્થનમાં
ભાવિ શિક્ષકો એક તરફ કાયમી ભરતીની માગ કરી રહ્યા છે તો બીજી તરફ એસટી વિભાગના કર્મચારીઓએ પણ આંદોલનના રસ્તા પર અગ્રેસર છે. યુવરાજસિંહ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા હતા ત્યારે હવે તેઓ એસટી કર્મચારીઓના સમર્થનમાં આવ્યા છે. થોડા દિવસ પહેલા તેમણે આ મામલે ટ્વિટ કરી હતી. ત્યારે હવે તેમણે એક વીડિયો શેર કરી પોતાના મંતવ્યો રજૂ કર્યા છે.
શું છે સમગ્ર મામલો?
રાજ્ય સરકારે ફિક્સ પગાર કર્મચારીઓને પગાર વધારો કરીને 18,500 માંથી 19,950 આપવાની જાહેરાત કરી છે. જ્યારે 18/10/23 ના રોજ રાજ્ય સરકારે રાજ્યના ક્લાસ 3 ના કર્મીઓને 30% વધારીને 26000 આપવા જણાવેલ છે તેમજ અન્ય રાજ્ય હસ્તકના નિગમ/બોર્ડ ને પણ ફિકસ પગાર 26000 વધારો મંજૂર કરેલ છે પણ એસ ટી ના ફિક્સ પગાર કર્મીઓ ને 19,950 આપવાનું જાણવા મળ્યું છે જે અન્ય કર્મીઓ સાથેની તુલનામાં ખૂબ જ અન્યાયકારી નિર્ણય કહીં શકાય તેવો છે. જો બધા નિગમ બોર્ડમાં કર્મીઓનો પગાર વધી શકતો હોય તો એસ.ટીના ફિક્સ કર્મીઓનો કેમ નહિ તે વાત કર્મચારીઓ પૂછી રહ્યા છે? દર વખતે સરકાર એસટી કર્મીઓને અન્ય કર્મીઓની તુલનામાં ઓછો જ પગાર આપે છે.
શું એસટી વિભાગના કમર્ચારીઓેને પરિવાર નથી હોતો?
રાજ્ય સરકારના એવા તો કયા કાયદા છે જેના અંતર્ગત એસ.ટીના જ કર્મીઓને ઓછો પગાર આપે છે? એસ.ટી.નિગમના કર્મચારીઓ રાત દિવસ , કાતિલ ઠંડીમાં અસહ્ય તડકા માં, મુશળધાર વરસાદ માં ના કોઈ તહેવાર પર રજા મળે કે ના કોઈ પ્રસંગો માં હાજરી આપી શકાય છતા ડ્યુટી કરે છે અને સેવા આપે છે છતાં પણ પગાર આટલો ઓછો કેમ? શું એસ.ટી કર્મચારીને પરિવાર નથી? સામાજિક જવાબદારી નથી? બીમાર નથી પડતા? બાળકોનું શિક્ષણ ,સામાજિક જવાબદારી, પ્રસંગો, જીવન જરૂરીયાત માટે વસ્તુઓ ખરીદવી પડતી નહીં હોય? કોઈ વાર વિચાર કરજો મગજ વિચારવાનું બંધ કરી દેશે.