ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી (MKBU)ની FINANCE & ACCOUNTS-XII(MANEGEMENT ACCOUNTING-||)ની પરીક્ષાનું પેપર લીક થયું હતું. ગઈ કાલે 3.30થી 6.30 વચ્ચે પરીક્ષા યોજાઈ તે પહેલાથી જ એટલે કે ત્રણ વાગ્યાથી પરીક્ષાનું પેપર બહાર આવી જતા હાહાકાર મચી ગયો છે. જાણીતા વિદ્યાર્થી આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહ જાડેજાએ પેપર લીક મુદ્દે સરકાર પર આરોપ લગાવ્યો છે.
યુવરાજ સિંહે કર્યો આક્ષેપ
યુવરાજ સિંહ જાડેજાના દાવા પ્રમાણે તેમને આ માહિતી એક જાગૃત વિદ્યાર્થી પાસેથી મળી હતી. આ પેપર પરીક્ષા અગાઉ વિવિધ વોટ્સ એપ નંબરો ઉપર વાઇરલ હતું. યુવરાજ સિંહ જાડેજા દ્વારા પેપર લીક થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. યુવરાજ સિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે "પેપર તે જ હતું જે કોલેજમાં પૂછાયું હતું, પરંતુ પેપર સૌપ્રથમ કયા ઇરાદે અને કોના દ્વારા વાઇરલ થયું તેની સંપૂર્ણ માહિતી અમારા જોડે નથી. સરકાર દ્વારા જો એમાં સચોટ તપાસ થશે તો ચોક્કસ પણે ઘણા ચોંકાવનારા ખુલાસા થઈ શકે, જ્યાં પણ જરૂર પડશે ત્યાં નાગરિક અને નૈતિક ફરજના ભાગરૂપે જરૂરી માહિતી આપવા માટે હું બંધાયેલ જવાબદાર નાગરિક છું. આની સાચી અને યોગ્ય તપાસ થવી જરુરી છે."