રાજ્યમાં ભારે વરસાદના કારણે નદીઓ બંને કાંઠે વહી રહી છે. નદીઓમાં પૂરના કારણે લોકોના ડુબવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમ કે વડોદરાના રણછોડ પુરા ગામમાં રહેતા 3 યુવકો મહી નદીના વહેતા પ્રવાહમાં ગરકાવ થતાં તેમના મોત થયા હતા. આ ઉપરાંત સિંઘરોટની નદીમાં એક હોમગાર્ડ જવાન અને પાદરાના બે યુવાનો પણ નદીમાં ડૂબી ગયા છે. ગત રાત્રે દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. દશામાની મૂર્તિના વિસર્જન વખતે મોટી સંખ્યામાં લોકો મહી કાંઠે એકત્રીત થયા હતા. દશામાં મૂર્તિનું વિસર્જન કરવા માટે ગયેલા 6 યુવાનો ડૂબી જતા અને તેમાં પણ 3 લોકોના મોત થતાં સાવલી તાલુકામાં હાહાકાર મચી ગયો છે.
બચાવ કામગીરી ચાલુ
મહી નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ રહેલા યુવકોનાને બચાવવા માટે નદી કાંઠે હાજર રહેલ લોકોએ બચાવ કામગીરી શરૂ કરી હતી, પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી યુવકોને બચાવી શકાયા નહતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ફાયર વિભાગની ટીમ બનાવ સ્થળે આવી પહોંચી હતી. પાણીમાં ગરકાવ થયેલા એક સગીર યુવક સહિત અન્ય બે યુવકોની ભાળ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર વિભાગની કામગીરીને પગલે મહિસાગર નદીના પાણીમાંથી રણછોડપુરા ગામના 32 વર્ષીય સંજય પુનમ ભાઈ ગોહિલનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અન્ય બે ડૂબેલ યુવકોની શોધખોળ ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. સાવલી પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને મૃતક સંજય ગોહિલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સાવલીના સરકારી દવાખાને ખસેડયો હતો.
MLA કેતન ઈનામદાર સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
સાવલી તાલુકામાં એક સાથે ત્રણ યુવકો પાણીમાં ડૂબવાની ઘટનાને પગલે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર ઉપરાંત સાવલી એસ ડી એમ, મામલદાર અને અન્ય અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા પાણીમાં ડૂબેલ અન્ય બે યુવકો જેઓ રણછોડપુરા ગામના જ વતની 15 વર્ષીય ગોહિલ વિશાલભાઈ રતીલાલ અને 20 વર્ષીય ગોહિલ કૌશિક ભાઈ અરવિંદભાઈની શોધખોળ હાથ ધરી છે.