ફરી એકવાર વિદ્યાર્થીઓ આંદોલન પર ઉતર્યા છે પણ આ વખતે ગાંધીનગરમાં નહીં રાજકોટમાં વિધ્યાર્થીઓ બે દિવસથી કચેરી આગળ આંદોલન પર હતા. ત્રીજા દિવસે પણ આવી કડકડતી ઠંડીમાં પરીક્ષાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ આંદોલન કરી રેહલા પરીક્ષાર્થીના સમર્થન માટે પહોંચ્યા છે. પરીક્ષા લીધી પણ નિમણૂક કરવામાં નથી આવતી તેવા આક્ષેપ સાથે પરીક્ષાર્થીઓ આંદોલન કરી રહ્યા છે.
ત્રણ દિવસથી ઉમેદવારો કરી રહ્યા છે ઓફિસ બહાર ધરણા!
સૌરાષ્ટ્રમાં pgvcl કંપનીમાં વીજ હેલ્પરની પરીક્ષા આપી છતાં ભરતી ના કરવામાં આવી જેના કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ PGVCL કચેરી દ્વારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 6,000થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જોકે ખાલી જગ્યાઓ મુજબ ભરતી કરવામાં ન આવતા વિદ્યાર્થીઓ બે દિવસથી ધરણાં પર છે. ત્રીજા દિવસે પણ પરીક્ષાર્થીઓનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. ઓફિસ બહાર ધરણા કરવામાં આવી રહ્યા છે.
આંદોલન કરી રહેલા યુવાનોને યુવરાજસિંહે આપ્યું સમર્થન
પીજીવીસીએલ કંપનીની બહાર 300 જેટલા યુવાનો ધરણા કરી રહ્યા છે. ઓફિસની બહાર પરીક્ષાર્થીઓ બેઠા છે અને આ આંદોલન ચલાવી રહ્યા છે. ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટની જગ્યાઓ ખાલી હોવા છતાંય ભરતી નથી કરવામાં આવી રહી તે વાતનો યુવાનોને રોષ જોવા મળી રહ્યો છે. ભરતી કરવામાં આવે તેવી માગ સાથે યુવાનો ધરણા કરી રહ્યા છે. આજે તેમના ધરણાનો ત્રીજો દિવસ છે. અનેક નારાઓ લગાવવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ રાજકોટ પહોંચી ગયા છે અને યુવાનોના ધરણામાં સાથ આપી રહ્યા છે.