એક તરફ દિવાળીના તહેવારની ઉજવણી થઈ રહી છે. ત્યારે અનેક પરિવારો માટે આ તહેવાર માતમમાં પરિવર્તિત થઈ ગયો છે. હાર્ટ એટેકને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. કોરોના બાદ તો હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળ્યો છે. દિવાળીના દિવસો દરમિયાન પણ હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. મહીસાગરમાં એક વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેવી માહિતી હાલ સામે આવી રહી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં વેપારીને આવ્યો હાર્ટ અટેક આવતાં નિધન થયું હતું. તે ઉપરાંત રાજકોટથી પણ હાર્ટ એટેકના કિસ્સો સામે આવ્યા છે.
મહીસાગરમાં એક વ્યક્તિનું હાર્ટ એટેકને કારણે થયું મોત
યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. થોડા સમયથી યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓએ સરકારની ચિંતા વધારી છે. યુવાનોને હાર્ટ એટેક ભરખી રહ્યો છે જેને કારણે યુવાનોમાં પણ હાર્ટ એટેકને લઈ ટેન્શન વ્યાપી ઉઠ્યું હો તેવું લાગે છે. નવરાત્રી દરમિયાન પણ અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હતા, એ તહેવાર અનેક પરિવારો માટે દુખ લઈને આવ્યો હતો ત્યારે દિવાળીના તહેવાર દરમિયાન પણ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે.
રાજકોટમાંથી પણ સામે આવ્યા હાર્ટ એટેકના કિસ્સાઓ
મળતી માહિતી અનુસાર મહીસાગરમાં એક વેપારીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. લુણાવાડા પરા બજારમાં વેપારીને હૃદય હુમલો આવ્યો હતો. મળતી માહિતી અનુસાર 42 વર્ષીય ફિરોજભાઈનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે જ્યારે તેઓ સામાન મૂકીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. ઘરે જતા છાતીમાં દુખાવો થતા તેઓ હોસ્પિટલ જઈ રહ્યા હતા. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું. પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.મહીસાગર ઉપરાંત રાજકોટમા પણ બે લોકોના મોતનું કારણ હાર્ટ એટેક બન્યું છે. એક વ્યક્તિ વાડીએથી ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં અચાનક તે ઢળી પડ્યા અને મોતને ભેટ્યા. તે ઉપરાંત સુરતથી પણ આવા સમાચાર સામે આવ્યા છે.
જો છાતીમાં દુખાવો થાય તો અવગણશો નહીં..!
મહત્વનું છે કે હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે. સિઝન બદલાતા અનેક લોકોને છાતીમાં દુખાવો થતો હોય છે. વૃદ્ધોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય છે, પ્રદૂષણનું સ્તર પણ સતત વધતું જઈ રહ્યું છે જેને કારણે ઘણી વખત એવું લાગે કે આ પ્રદૂષણને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. પરંતુ આવા લક્ષણોને અવગણશો નહીં. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે જો તેમને પણ આવા લક્ષણો દેખાય તો અવગણશો નહીં. ડોક્ટરનો તરત સંપર્ક કરવો જોઈએ.