રાજ્યમાં કોરોના કાળ બાદ હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે, દર 2-3 દિવસે હાર્ટ એટેકથી મોતને ભેટતા યુવાનના સમાચાર સામે આવે છે. સાબરકાંઠા જિલ્લામાં પણ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થતા અરેરાટી ફેલાઈ છે. પ્રાંતિજ તાલુકાનાના પોગલુ ગામનો યુવાન પરીક્ષિત પટેલ હિંમતનગરમાં સરકારી કચેરીમાં ફરજ બજાવે છે. તેણે હિંમતનગરમાં પોતાનું ઘર ખરીદ્યુ હતું અને જેનો દસ્તાવેજ કરવા માટે બહુમાળી ભવનમાં ગયો હતો, જ્યા ઘરનો દસ્તાવેજ કરી ઉભો થતા જ ઢળી પડ્યો હતો.
હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત
હિંમતનગરના બહુમાળી ભવનમાં યુવક પરીક્ષિત પટેલ ઢળી પડતા સ્ટેમ્પ વેન્ડર કમલેશભાઈએ તેને ઉભો કરવા માટે પ્રયાસ કર્યો પરંતુ બેહોશ જણાતા અન્ય આસપાસના લોકો અને કચેરીનો સ્ટાફ પણ બેહોશ યુવકને ઉભો કરવા પ્રયાસમાં લાગ્યો હતો અને એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. જો કે એમ્બ્યુલન્સને આવતા મોડુ થતાં તાત્કાલિક તેને રીક્ષા દ્વારા હોસ્પિટલ લઈ જવા માટે તજવીજ હાથ ધરી હતી. સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં પહોચ્યા બાદ તબિબે તેને ચેક કર્યા બાદ મૃત જાહેર કર્યો હતો.
પરિવાર શોકાતૂર બન્યો
હિંમતનગરમાં સરકારી કચેરીમાં ફરજ બજાવતા પરીક્ષિત પટેલને પરિવારમાં પત્ની અને 8 વર્ષનો પુત્ર છે. જો કે અચાનક જ 35 વર્ષના યુવાનનું મોત થતાં પરિવાર પર તો જાણે આભ તૂટી પડ્યુ હતું. પરિવાર સાથે સુખેથી રહેવા માટે પરીક્ષિત પટેલે હિંમતનગર શહેરના કાંકણોલ રોડ પર આવેલ નિલંકઠ વિલા સોસાયટીમાં મકાન ખરીદ્યુ હતું. ઘરના માલિક બન્યાની રાહતનો શ્વાસ લઈને ખુશીઓ વ્યક્ત કરે એ પહેલા પરિવારનો માળો વિખેરાઈ ગયો છે.