દરેક વ્યક્તિમાં અનેક ખુબીઓ રહેલી હોય છે. જો ખુબીઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે તો પોતાના શોખથી અનેક સિદ્ધિઓ હાંસલ કરી શકે છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં પોતાની લગન અને પોતાના ઉત્સાહને કારણે અનેક રેકોર્ડ બ્રેક કરવામાં આવતા હોય છે. આવો જ એક પ્રેરણાદાયી કિસ્સો ગોધરાના યુવાનનો સામે આવ્યો છે. ગોધરાના યુવાને ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડસમાં પોતાની સિદ્ધિ નોંધાવી છે.
15 મિનિટમાં સનસેટના પાડ્યા 100 જેટલા ફોટો
પોતાનામાં રહેલા ટેલેન્ટને કારણે ગોધરાના યુવાને ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડસમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. ગોધરાના બામરોલી રોડ પર આવેલી અંકુર સોસાયટીમાં રહેતા વિવેક ગોપાલ શાહે 15 મિનિટમાં 100 જેટલા સનસેટના ફોટોગ્રાફ ક્લીક કરીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અલગ અલગ વિષયો પર ફોટોગ્રાફ ક્લિક કર્યા છે. જ્યારથી સ્કૂલમાં તે અભ્યાસ કરતો હતો ત્યારથી તેને ફોટોગ્રાફીમાં શોખ હતો. બીજા કશામાં તેનો જીવ લાગતો ન હતો. જેને લઈ નોકરી છોડી અને અમદાવાદ ખાતે શિફ્ટ થયો હતો. શોર્ટફિલમ્સ, વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી, સ્ટ્રીટ ફોટોગ્રાફી કરી હતી.
કરેલી મહેનત વ્યર્થ નથી જતી!
દરરોજ સનસેટની ફોટોગ્રાફી કરતો હોવાથી તેણે આવી ફોટોગ્રાફીને લઈ આગળ વધવાનો નિર્ણય કર્યો. 15 મિનીટમાં 100 જેટલા સૂર્યાસ્તના ફોટો પાડી ઓનલાઈન મોકલી આપ્યા. જેનો જવાબ 20થી 25 દિવસની અંદર આવ્યો હતો. ફોટોગ્રાફીમાં કરવામાં આવેલી મહેનત રંગ લાવી અને સમગ્ર ભારતમાંથી એકમાત્ર યુવાને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મેળવ્યું હતું. જે બાદ મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.