રવિવાર સાંજે ગુજરાતના અનેક ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 91 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધારે વરસાદ બહુચરાજીમાં થયો હતો. જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો 2.1 ઈંચ વરસાદ વરસ્યો હતો.
અમદાવાદમાં કરા સાથે વરસ્યો હતો વરસાદ!
ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ગઈકાલે કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજ્યના 91 જેટલા તાલુકાઓમાં વરસાદની એન્ટ્રી થઈ હતી. અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાંજે 6 વાગ્યા બાદ વરસાદની શરૂઆત થઈ હતી. અમદાવાદમાં વરસેલા વરસાદની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં સૌથી વધારે વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં 2.1 ઈંચ વરસાદ વરસ્યો હતો. જોધપુર, ચાંદખેડા, મણિનગર, પાલડી, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ભારે પવનને કારણે 15થી 20 જેટલા ઝાડ ધરાશાયી થયા હતા ઉપરાંત અનેક હોર્ડિંગને પણ નુકસાન પહોંચ્યું છે. સાબરમતી નદીના પણ દ્રશ્યો આવ્યા હતા જેમાં નદીનું રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું.
ગુજરાત માટે કરવામાં આવી છે વરસાદની આગાહી!
તે સિવાય બનાસકાંઠાના દાતામાં 2.2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. મહેસાણાના જોટાણા અને બાવળામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. કલોલ, સાબરકાંઠાના શિહોર અને વડાલીમાં 1.4 ઈંચ વરસાદ આવ્યો હતો. નડિયાદ, પેટલાદ, કડીમાં 1.2 ઈંચ વરસાદ વરસ્યો હતો. મહત્વનું છે આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે પડેલા વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા. મોટા ભાગના વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે તાપમાનનો પારો ગગડ્યો છે. ગરમીનું પ્રમાણ ઘટ્યું છે. ત્યારે આગામી બે દિવસ માટે ગુજરાતમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત વરસાદને કારણે ઝાડ પણ ધરાશાયી થયા હતા જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.