ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ગરમીને લઈ હવામાન વિભાગે પણ રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરી છે. યલો એલર્ટને ધ્યાનમાં લઈ અમદાવાદ ટ્રાફિક વિભાગે પણ મોટા નિર્ણય લેતા શહેરના 125 જેટલા ટ્રાફિક સિગ્નલોને બપોરે 12થી 4 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
લોકોને ગરમીથી બચાવવા માટે નિર્ણય
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના જણાવ્યા પ્રમાણે ભીષણ ગરમી અને લૂમાં લોકોને લાંબા સમય સુધી રોડ પર રોકાવું ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસે બપોરના 12થી 4 વાગ્યા સુધી એટલે કે ચાર કલાક સુધી 125 સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. શહેરના 58 મોટા અને મહત્વના સિગ્નલોના સમયમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આ સમગ્ર વ્યવસ્થા આખા ઉનાળા દરમિયાન અમલી રહેશે, શહેરનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.