કહેવાય છે કે ઈતિહાસ પોતાને અનેક વખત પુનરાવર્તિત કરે છે. ગઈકાલે રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ કરવામાં આવી હતી. રાહુલ ગાંધી સાથે જે થયું તે પહેલા ઈન્દિરા ગાંધી તેમજ સોનિયા ગાંધી સાથે પણ થયું હતું. થોડા વર્ષો પહેલા ઈન્દિરા ગાંધીને પણ લોકસભાના સભ્યપદથી વંચિત રાખવામાં આવ્યા હતા.
ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ પણ પોતાની સદસ્યતા ગુમાવી હતી. રાયબરેલી બેઠક પરથી ઈન્દિરા ગાંધીએ પોતાની દાવેદારી જાણીતા સમાજવાદી રાજકારણી રાજનારાયણ સામે નોંધાવી હતી. આ બેઠક પરથી ઈન્દિરા ગાંધી ચૂંટણી જીત્યા હતા. હારેલા ઉમેદવારે હાઈકોર્ટમાં અરજી કરી હતી કે ચૂંટણી દરમિયાન ઈન્દિરા ગાંધીએ સરકારી તંત્રનો તેમજ અધિકારીનો મોટા પાયે દુરૂપયોગ કર્યો હતો જેને કારણે તેમની સદસ્યતા રદ્દ કરવામાં આવે. અલ્હાબાદ હાઈકોર્ટમાં ઈન્દિરા ગાંધી લગભગ 5 કલાક હાજર રહ્યા હતા. અલ્હાબાદ હાઈકોર્ટે ઈન્દિરા ગાંધીનું સભ્યપદ રદ્દ કર્યું. સભ્યપદ રદ્દ થતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સભ્યપદથી વંચિત નહીં રખાય પરંતુ તેમનો મતદાન કરવાનો અધિકાર સુપ્રીમ કોર્ટે છીનવી લીધો. આ બાદ ઈન્દિરા સરકાર વિરૂદ્ધ વિપક્ષો એક થયા જે બાદ ઈન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી દીધી.
કટોકટી બાદ વર્ષ 1977માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. રાયબરેલી ખાતેથી ઈન્દિરા ગાંધીએ ઉમેદવારી નોંધાવી હતી પરંતુ ત્યાં ઈન્દિરા ગાંધીની હાર થઈ હતી અને હરાવવા વાળા ઉમેદવાર હતા રાજનારાયણ. વર્ષ 1978માં ઈન્દિરા ગાંધીએ કર્ણાટકની ચિકમંગલૂર સીટ પરથી પેટા ચૂંટણી લડી અને જીતી સંસદ પહોંચ્યા. તે વખતે જનતા પાર્ટીની સરકાર હતી અને વડાપ્રધાન પદ પર હતા મોરારજી દેસાઈ. 14 ડિસેમ્બર 1978માં લોકસભાની સદસ્યતા રદ્દ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.
એવું કહેવાય છે કે આ વાતથી ઈન્દિરા ગાંધીને આઘાત લાગ્યો હતો કે તે અનેક મહિનાઓ સુધી ઘરની બહાર નિકળ્યા ન હતા. અમુક દિવસો માટે તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ બધી ઘટનાઓને કારણે ઈન્દિરા ગાંધીને લઈ લોકોમાં સહાનુભૂતિ જાગી. ચિકમંગલુરમાં પેટાચૂંટણી જીતી તેઓ સંસદ પહોંચ્યા હતા. લોકસભામાં લગભગ એક સપ્તાહ સુધી ચર્ચા ચાલી હતી. જે બાદ ઈન્દિરા ગાંધીનું સભ્યપદ નાબુદ થઈ ગયું હતું. પરંતુ આ આપત્તિને ઈન્દિરા ગાંધીએ અવસરમાં બદલ્યો. આ નિર્ણયને લઈ દેશભરમાં વિરોધ કરવામાં આવ્યો હતો. જેને કારણે સરકાર નબળી પડવા લાગી. સરકાર પડી અને ફરી એક વખત ઈન્દિરા ગાંધી સત્તા પર આવ્યા. 1980માં ઈન્દિરા ગાંધીને સારૂ જનસમર્થન મળ્યું અને ફરી એક વખત ઈન્દિરા ગાંધી સરકારમાં આવ્યા હતા. આવી જ ઘટના સોનિયા ગાંધી સાથે થઈ હતી.
ત્યારે ગાંધી પરિવારની આ ત્રીજી પેઢી છે જેની સાથે આવી ઘટના બની છે. ગઈકાલે રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થઈ ગઈ હતી. મોદી સરનેમને લઈ ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી. જેને પગલે પૂર્વમંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. બે વર્ષની જેલ અને દંડની સજા રાહુલ ગાંધીને ફટકારવામાં આવી હતી. સજા થતા રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ્દ કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધી પહેલા આવી ઘટના ઈન્દિરા ગાંધી તેમજ સોનિયા ગાંધી સાથે પણ બની હતી. તે ઉપરાંત એવા અનેક કિસ્સાઓ છે જેમાં આવી રીતે સદસ્યતા રદ્દ કરવામાં આવી છે. ત્યારે જોવાનુંએ રહેશે શું રાહુલ ગાંધી ઈન્દિરા ગાંધીની જેમ લોકોની સહાનુભૂતિ મેળવવામાં સફળ થાય છે કે નહીં. આપત્તિને અવસરમાં બદલવામાં રાહુલ ગાંધી સફળ થયા છે કે નહીં તે 2024ની લોકસભાની ચૂંટણીના પરિણામ આવતા ખબર પડશે.