હાલ ઈંગ્લેન્ડના ઓવલ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમાઈ રહી છે, જેમાં બીજા દિવસના અંતે સ્ટમ્પ સુધીમાં ટીમ ઈન્ડિયાએ 5 વિકેટના નુકસાન પર 151 રન બનાવ્યા છે. સૌ પ્રથમ ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કરેલી ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યુ હતુ. જેમાં કાંગારુઓની ટીમે ટ્રેવિસ હેડ અને સ્ટિવ સ્મીથની 285 રનની ભાગીદારીની મદદથી 469 રન બનાવી દીધા હતા.જેમાં ટ્રેવિસ હેડે 163 રનની ધમાકેદાર ઈનિંગ અને સ્ટીવ સ્મિથે 121 રનની ઈનિંગ રમી હતી. જેની સામે ભારતીય ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યો હતો અને બીજા દિવસના અંત સુધી ભારત 5 વિકેટના નુકસાન પર માત્ર 151 રન બનાવી શક્યુ હતુ.
ભારતીય ટોપ ઓર્ડર નિષ્ફળ
દુનિયાની નંબર વન ટેસ્ટ ટીમનો ટોપ ઓર્ડર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઈનલની પ્રથમ ઈનિંગમાં નિષ્ફળ સાબિત થયો હતો. ઓસ્ટ્રેલિયાએ આપેલા 469 રનના જવાબમાં ભારતીય ટીમ જ્યારે બેટિંગ કરવા ઊતરી ત્યારે ટોપ ઓર્ડરમાંથી કેપ્ટન રોહિત શર્મા 26 બોલમાં 15 રન, શુભમન ગિલ 15 બોલમાં માત્ર 13 રન, ચેતેશ્વર પુજારા 25 બોલમાં 14 રન, વિરાટ કોહલી 31 બોલમાં 14 રન અને અજિંક્ય રહાણે 71 બોલમાં 29 રન બનાવીને એક પછી એક પોતાની વિકેટો ઓસ્ટ્રેલિયાના બોલરોને ભેટમાં આપી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, સ્કોટ બોલેન્ડ, કેમરૂન ગ્રીન અને નાથન લાયને એક-એક વિકેટ લીધી હતી.
રહાણે અને જાડેજાએ બાજી સંભાળી
બીજા દિવસના ત્રીજા સેશનમાં ટીમ ઈન્ડિયાએ પૂજારા અને કોહલીની વિકેટ ગુમાવી હતી. આ પછી રહાણે અને જાડેજાએ ઇનિંગને સંભાળી હતી અને બન્નેએ ટીમના સ્કોરને 100 રનને પાર પહોંચાડ્યો હતો. બન્ને વચ્ચે 50+ રનની પાર્ટનરશિપ થઈ હતી. ત્યારબાદ જાડેજાને 48 રનના સ્કોર પર આઉટ થયા બાદ બીજા દિવસના અંતે અજિંક્ય રહાણે 29 રનના અણનમ સ્કોર પર અને કે ઓસ ભરત 5 રનના અણનમ સ્કોર પર ક્રિઝ પર રહ્યા હતા.