હાલ ઈંગ્લેન્ડના ઓવલ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમાઈ રહી છે, જેમાં પહેલા દિવસના અંતે સ્ટમ્પ સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટના નુકસાન પર 327 રન બનાવી દીધા છે. જેમાં ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે 146 રનની અને સ્ટીવ સ્મિથે 95 રનની અણનમ ઈનિંગ્સ રમી છે. જ્યારે ભારત તરફથી મોહમ્મદ શમીએ 2 અને શાર્દુલ ઠાકુરે 1 વિકેટ ઝડપી છે.
ચોથી વિકેટ માટે 251 રનની ભાગીદારી
ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથની ભાગીદારી ભારતીય બોલર્સ માટે માથાના દુખાવા સમાન બની હતી. ટ્રેવિસ હેડે અણનમ 146 રન બનાવી અને સ્ટીવ સ્મિથે અણનમ 95 રન બનાવી ચોથી વિકેટ માટે કુલ 251 રનની ભાગીદારી બનાવી હતી, અને આ બંને ખેલાડી હજી પણ અણનમ છે, જે બાદ ભારતીય બોલર્સે માટે આ પાર્ટનરશીપ તોડવી જરુરી બની છે, હવે બીજા દિવસે જોવાનું છે કે ટીમ ઈન્ડિયા આ મજબૂત પાર્ટનરશીપને તોડવા માટે કેવા પ્રકારનો ગેમ પ્લાન બનાવે છે.
ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર્સની પરીક્ષા!
ઓસ્ટ્રેલિયાની ધમાકેદાર બેટિંગ બાદ હવે ભારતીય બોલર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથની પાર્ટનરશીપ તોડવી ટીમ ઈન્ડિયાના બોલર્સ માટે જરુરી બની છે. જો કે ટીમ ઈન્ડિયા આ મેચમાં એક માત્ર સ્પિનરની સાથે ઉતરી છે, જેમાં સ્પિનર તરીકે રવિન્દ્ર જાડેજાને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું છે,જ્યારે ટેસ્ટમાં નંબર વન સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ટીમની બહાર બેસવાનો વારો આવ્યો છે. હવે આખી મેચનો આધાર ભારતના ઝડપી બોલર્સ પર છે, હવે જોવાનું એ રહેશે કે બીજા દિવસે ભારતીય બોલર્સ કેવા પ્રકારનો દેખાવ કરે છે અને ટીમ ઈન્ડિયાને કેવી રીતે ગેમમાં કમબેક અપાવે છે.