ભારતીય કુસ્તી મહાસંઘ (WFI)ના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની સામે પહેલવાનો ધરણા પર બેઠા છે. આ દરમિયાન ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના અધ્યક્ષ પીટી ઉષાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે પહેલવાનો દ્વારા માર્ગો પર વિરોધ પ્રદર્શન કરવું તે અશિસ્ત છે. IOAની કાર્યકારી સમિતિની બેઠક બાદ પીટી ઉષાએ વધુમાં કહ્યું કે માર્ગો પર પહેલવાનોનો વિરોધ ભારતની છબી ખરાબ કરી રહ્યો છે.
રેસલર્સે આપી પ્રતિક્રિયા
પીટી ઉષાની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા બજરંગ પુનિયાએ કહ્યું, 'અમને IOA પ્રમુખ પીટી ઉષા પાસેથી આટલી કઠોર પ્રતિક્રિયાની અપેક્ષા નહોતી. અમને તેમના સમર્થનની અપેક્ષા હતી. અત્રે ઉલ્લેખનિય છે કે IOAએ આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની એડહોક પેનલની પણ રચના કરી છે, જેમાં ભૂતપૂર્વ શૂટર સુમા શિરુર, વુશુ એસોસિએશન ઑફ ઈન્ડિયાના વડા ભૂપેન્દ્ર સિંહ બાજવાનો સમાવેશ થાય છે. તેનું નેતૃત્વ હાઇકોર્ટના નિવૃત્ત જજ કરશે.
સ્ટાર રેસલર્સ બેઠા છે ધરણા પર
વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા વિનેશ ફોગાટ, ઓલિમ્પિક મેડલિસ્ટ બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સહિતના સ્ટાર કુસ્તીબાજોએ રવિવારથી નવી દિલ્હીના જંતર-મંતર ખાતે તેમનો અનિશ્ચિત વિરોધ ફરી શરૂ કર્યો છે. તેમણે બ્રિજ ભૂષણ પર જાતીય સતામણી અને ગુનાહિત ધમકીનો આરોપ લગાવ્યો છે. વિરોધ કરી રહેલા કુસ્તીબાજોનું કહેવું છે કે તેમને મીડિયા રિપોર્ટ્સ દ્વારા ખબર પડી છે કે આરોપોની તપાસ કરી રહેલી સમિતિ દ્વારા બ્રિજભૂષણ સિંહને ક્લીનચીટ આપવામાં આવી છે. પેનલનો રિપોર્ટ ખેલ મંત્રાલય પાસે છે. અનેક વિનંતીઓ કરવા છતાં તેને જાહેર કરવામાં આવતો નથી.