કુસ્તીબાજો બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. આ મામલે રોજે કોઈને કોઈ અપડેટ આવી રહ્યા છે. ત્યારે કુસ્તીબાજોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી છે તેવા સમાચારો સામે આવી છે. અમિત શાહના નિવાસસ્થાને શનિવાર રાત્રે આ મિટીંગ થઈ હતી અને લગભગ ડોઢ કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં બજરંગ પૂનિયા, સાક્ષી મલિક સહિત અનેક કુસ્તીબાજો હાજર રહ્યા હતા. એવી માહિતી પણ સામે આવી રહી છે કે અમિત શાહે ભેદભાવ વગર આ મામલે તપાસ કરાશે તેવી ખાતરી આપી છે.
અનેક ખેલાડીઓએ આપ્યું છે કુસ્તીબાજોને સમર્થન!
લાંબા સમયથી બીજેપીના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે કુસ્તીબાજો ધરણાના મેદાનમાં ઉતર્યા છે. યૌન શોષણના આરોપ લગાવવામાં આવ્યા છે ત્યારે તેમના વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં તેવી માગ સાથે ઘણા દિવસો સુધી દિલ્હીના જંતર મંતર ખાતે ધરણા કર્યા હતા. બ્રિજભૂષણ વિરૂદ્ધ કેસ દાખલ કરાવવા પહેલવાનોએ સુપ્રીમ કોર્ટ જવું પડ્યું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ધરણા દરમિયાન પહેલવાનોને અનેક રાજકીય પાર્ટીના નેતાઓનું સમર્થન મળ્યું ઉપરાંત વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટ ટીમના ખેલાડીઓએ પણ આ મામલે પોતાનું નિવેદન જાહેર કર્યું હતું.
અમિત શાહ સાથે કુસ્તીબાજોએ કરી બેઠક!
આ મામલે કોંગ્રેસ આક્રામક દેખાઈ હતી. પીએમ મોદી, અમિત શાહ સહિત ભાજપના નેતાઓ આ મામલે કેમ મૌન છે તેવા અનેક પ્રશ્નો કોંગ્રેસના નેતાઓ દ્વારા વારંવાર પૂછવામાં આવ્યા હતા. ત્યારે અમિત શાહે કુસ્તીબાજો સાથે બેઠક કરી છે તેવા સમાચાર સામે આવ્યા છે. અમિત શાહ સમક્ષ બ્રિજભૂષણની ધરપકડ કરવામાં આવે તેવી માગ કુસ્તીબાજોએ રાખી છે. શનિવારે યોજાયેલી મીટિંગમાં બજરંગ પુનિયા, સાક્ષી મલિક સહિત અનેક કોચ હાજર રહ્યા હતા. દોઢ બે કલાક સુધી બેઠક ચાલી હતી. બેઠક દરમિયાન અમિત શાહે આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવશે તેવી ખાતરી કુસ્તીબાજોને આપી હતી. ત્યારે જોવાનું એ રહ્યું કે બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ ક્યારે કાર્યવાહી કરવામાં આવશે? અને જો કાર્યવાહી કરવામાં આવશે તો કેવી કરાશે?