નવરાત્રીના ત્રીજા દિવસે માતાજીના નવદુર્ગાના ત્રીજા સ્વરૂપ એવી ચંદ્રઘંટા માતાજીની પૂજા કરવામાં આવે છે. ચંદ્રઘંટા માતા મસ્તક પર ઘંટ આકારનો ચંદ્ર ધારણ કરે છે. ચંદ્ર ધારણ કર્યો હોવાને કારણે તેઓ ચંદ્રઘંટા માતા તરીકે ઓળખાય છે. ચંદ્રઘંટા માતાજીની આરાધના કરવાથી સાધક સાહસિક અને નિર્ભય બને છે. નવરાત્રીનો ત્રીજો દિવસ માતા ચંદ્રઘંટાને સમર્પિત હોય છે.
કેવું છે માતાજીનું સ્વરૂપ?
માતાજીના સ્વરૂપની વાત કરીએ તો માતાજીને દસ ભૂજાઓ છે. દસ ભૂજામાં દેવી કમળ, ધનુષ-બાણ, કમંડળ, તલવાર, ત્રિશુળ, ગદા જેવા વિવિધ અસ્ત્ર-શસ્ત્ર રાખે છે. માતાજી સિંહની સવારી કરે છે. એવું માનવામાં આવે છે કે દૈત્ય સેનાનો સંહાર કરવા માતાએ આ સ્વરૂપ ધારણ કર્યું હતું. માતા ચંદ્રઘંટાની આરાધના કરવાથી તમામ કષ્ટોનો નાશ થાય ઉપરાંત એવી પણ માન્યતા છે કે માતાજીની પૂજા કરવાથી શરીરમાં રહેલું મણિપુર ચક્ર જાગૃત થાય છે.
આજે દૂધ માતાજીને કરવામાં આવે છે અર્પણ
નવરાત્રીના નવ દિવસો દરમિયાન રંગોનું પણ વિશેષ મહત્વ રહેલું છે. Royal Blue કલર માતાજીને પ્રિય છે તેવી માન્યતા છે. નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાજીને અલગ અલગ નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. ત્રીજા દિવસે દૂધ અર્પણ કરવામાં આવે છે. દૂધ અર્પણ કરવાથી ધન,વૈભવ તેમજ એશ્વર્યની પ્રાપ્તિ થાય છે તેવી માન્યતા છે. ત્રીજા દિવસે નૈવેદ્ય તરીકે સાધકે દૂધ અર્પણ કરવું જોઈએ.
કયા મંત્રનો કરવો જોઈએ જાપ?
માતા ચંદ્રઘંટાની આરાધના કરવા માટેનો આ છે મંત્ર -
પિંડજા પ્રવરરુદ્ધ, ચંડકોપશાસ્ત્રકૈર્યુથ.
પ્રસાદં તનુતે મહ્યં, ચંદ્રઘંટેતિ વિશ્રુતાઃ
તે સિવાય આ મંત્ર પણ છે -
“યા દેવી સર્વભૂતેષુ માં ચંદ્રઘંટા રૂપેણ સંસ્થિતા.
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:”
જો કોઈ સાધક તેમના મંત્રની ઉપાસના ન કરી શકે તો તેમને બીજ મંત્રની ઉપાસના પણ કરી શકે છે. એં શ્રીં શક્તયૈ નમ:નો 108 વાર જપ કરવાથી ચંદ્રઘંટા પ્રસન્ન થાય છે. ઉપરાંત શક્ય હોય તો નવરાત્રી દરમિયાન યંડીપાઠનું પઠન કરવાથી માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જો તમે દેવી ચંદ્રઘંટાને પૂજામાં કોઈ ફૂલ ચઢાવો છો તો તેમને પ્રિય ફૂલ સફેદ કમળ અર્પણ કરો. તમે પીળા ફૂલો અને લાલ જાસુદના ફૂલ પણ અર્પણ કરી શકો છો.
નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે...