નવરાત્રિના આઠમા દિવસે માતાજીના આઠમા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માતા દુર્ગાનું આઠમું સ્વરૂપ છે માતા મહાગૌરી. મહાગૌરી વૃષભ પર સવાર થઈ ભક્તોને આશીર્વાદ આપે છે. તેમની ચાર ભુજાઓ છે. એક હાથમાં માતાજીએ ત્રિશુળને ધારણ કર્યું છે. બીજા હાથમાં તેમણે ડમરૂ ધારણ કર્યું છે. ત્રીજા અને ચોથા હાથમાં માતાજીએ અભય અને વરદ મુદ્રા ધારણ કરી છે. તેઓ સુખ અને સમૃદ્ધિ વધારનારા છે. તેઓ સદૈવ પોતોના સંતાન રૂપી ભક્તો પર કૃપા દ્રષ્ટિ રાખે છે.
માતાજી કેમ ઓળખાયા મહાગૌરી તરીકે
ભગવાન શંકરને પ્રાપ્ત કરવા માતાજીએ કઠોર તપ કર્યું હતું. કઠોર તપને કારણે તેમનો વર્ણ શ્યામ થઈ ગયો હતો. જ્યારે મહાદેવે તેમની ઉપાસનાનો સ્વીકાર કર્યો બાદ, ગંગાજળથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. જે બાદ તેમનું વર્ણ શ્વેત થઈ ગયું. માતાજી સ્વયં શ્વેત વર્ણના છે, જેને કારણે તેઓ મહાગૌરીના નામે પ્રસિદ્ધ થયા. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે તેમની પૂજા કરવાથી ગ્રહપીડા દૂર થાય છે. ઉપરાંત સાધકને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. જે ભક્ત માતાજીના આ સ્વરૂપની આરાધના કરે છે તેને માતાજીની અસીમ કૃપા થાય છે. વેપાર, સુખ-સમૃદ્ધિ, દાંપત્ય જીવન વગેરેમાં અનેક ઘણો વધારો થાય છે.
માતા મહાગૌરીને પ્રસન્ન કરવાનો મંત્ર -
નવરાત્રિ દરમિયાન કરવામાં આવતા પાઠનો મહિમા અનેક ઘણો વધી જતો હોય છે. નવરાત્રિ દરમિયાન માતાજીના નવ સ્વરૂપોની આરાધના કરવાથી અનેક લાભ થાય છે. દરેક દેવીને પ્રસન્ન કરવાનો વિશેષ મંત્ર હોય છે. માતા મહાગૌરીને આ મંત્રના ઉચ્ચારણથી પ્રસન્ન કરી શકાય છે.
श्वेत वृषे समारूढ़ा श्वेताम्बरधरा शुचि:।
महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा॥
અર્થાત જે માતા સફેદ વૃષભ પર સવાર છે, જેમણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. જે પ્રસન્નતા પ્રદાન કરનારી છે, તેવા માતા મહાગૌરી અમારૂ કલ્યાણ કરો.
દુર્ગાઅષ્ટમીના દિવસે માતાજીને શું કરવું અર્પણ -
નવરાત્રિના નવ દિવસો દરમિયાન માતાજી સમક્ષ અલગ-અલગ ભોગ ધરાવવામાં આવે છે. દુર્ગાઅષ્ટમીના દિવસે માતાને શ્રીફળ અર્પણ કરવામાં આવે છે.