સંગીત એક એવી કળા છે જે માનવીના જીવન પર ઘણી અસર કરતી હોય છે. ઘણી વખત આપણને એવો પણ અનુભવ થયો હશે કે મનપસંદ સંગીત સાંભળવાથી તણાવ મુક્ત થઈ ગયા હોઈએ. દુનિયાના પ્રત્યેક ખુણામાં સંગીતની ઉપસ્થિતિ જોવા મળે છે. દરેક વસ્તુઓમાં લય હોય છે. કહેવાય છે કે સંગીતને કોઈ સરહદ નથી નડતી. ત્યારે સંગીતના ગુણોને લોકો સુધી પહોંચાડવા તથા સંગીતથી થતા ફાયદા લોકોને સમજાય તે માટે 21મી જૂનને વિશ્વ મ્યુઝિક ડે તરીકે ઉજવવામાં આવે છે. મનપસંદ સંગીત સાંભળવાથી આપણા મનને શાંતિ મળે છે.
આ છે વિશ્વ સંગીત દિવસનો ઈતિહાસ!
વિશ્વ મ્યુઝિક ડેના ઈતિહાસની વાત કરીએ તો, ફ્રાન્સમાં સૌથી પ્રથમ વખત આ દિવસને મનાવવામાં આવ્યો હતો. વર્ષ 1982માં આ દિવસની શરૂઆત થઈ. તત્કાલિન ફ્રાન્સના સંસ્કૃતિ મંત્રીએ વિશ્વ સંગીત દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો. અને તે પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો અને વર્ષ 1982માં વાર્ષિક કાર્યક્રમ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી. અને તે બાદ આજ સુધી આ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવી રહી છે. દર વર્ષે અલગ અલગ થીમ પર દિવસને મનાવવામાં આવે છે.
સંગીત લોકોને એક કરવાની શક્તિ ધરાવે છે!
સંગીતમાં અદ્ભૂત શક્તિ રહેલી હોય છે. આજકાલ સંગીતને થેરેપીની જેમ પણ ઉપયોગ કરવામાં આવે છે. સંગીત લોકોને જોડવાનું કામ કરે છે. ભલે ભાષા અલગ હોય પરંતુ ભાવ એક હોય છે. જેમ દેશ બદલાય છે તેમ ત્યાંની સંસ્કૃતિ પણ બદલાય છે, ભાષા પણ બદલાય છે તેમ સંગીત પણ બદલાય છે. પરંતુ તો પણ લોકોના દિલમાં વસી જાય છે. સંગીત ઘણીવાર સામાજીક પ્રવૃત્તિઓ તેમજ ધાર્મિક વિધીઓમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સંગીતના માધ્યમથી અનેક દેશોની સંસ્કૃતિને પણ સમજી શકીએ છીએ. આર્થિક દ્રષ્ટ્રીએ પણ સંગીતનું મહત્વ રહેલું છે. અનેક લોકોને રોજી રોટી પૂરી પાડે છે.