દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હૃદય દિવસ ઉજવવામાં આવે છે. માનવીના શરીરમાં રહેલા દરેક અંગ જરૂરી જ હોય છે પરંતુ તેમાં હૃદય મહત્વની ભૂમિકા ભજવે છે. જો દિલ ધબકવાનું બંધ કરી દે તો માણસ મૃત્યુ પામે છે. નાની નાની ઉંમરે લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. પહેલા એવું માનતા હતા કે મોટી ઉંમરના લોકોને એટલે કે વડીલોના જ મોત હાર્ટ એટેકને કારણે થાય છે પરંતુ કોરોના બાદ તો આ વાક્ય બદલાઈ ગયું છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત પણ હાર્ટ એટેકને કારણે થાય છે. સમગ્ર વિશ્વમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.
કોરોના બાદ વધ્યા હાર્ટ એટેકના કિસ્સા
કોરોના બાદ અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ગુજરાતમાં જ થોડા સમયની અંદર હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવ્યા છે. બે દિવસમાં રાજ્યમાં કુલ પાંચ લોકોએ હૃદયરોગના હુમલાના કારણે જીવ ગુમાવ્યો છે. કોઈ ગરબા કરતા કરતા મોતને ભેટી રહ્યા છે તો કોઈ ક્લાસરૂમમાં ભણતી વખતે બેભાન થઈ રહ્યા છે. અંબાજીમાં પણ એક વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. તો અમદાવાદમાં એક વ્યક્તિનું મોત આને કારણે થયું છે. અનેક કિસ્સાઓમાં તો લોકોને હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાય તે પહેલા જ તેમનું મોત થઈ જાય છે.
હાર્ટ એટેક આવવા પાછળના કારણોની વાત કરીએ તો :
1. વધારે સ્ટ્રેસ લેવું - નવી જનરેશનમાં સ્ટ્રેસ લેવલ ખૂબ વધારે જોવા મળી રહ્યું છે. નાની નાની વાતોનું સ્ટ્રેસ યુવાનો લઈ રહ્યા છે. માનસિક તણાવનો શિકાર યુવાનો બની રહ્યા છે. પારિવારિક કારણો, આર્થિક કારણો સહિત અનેક એવા પરિબળો છે જેને કારણે યુવાનોમાં સ્ટ્રેસ લેવલ વધી રહ્યું છે. વિદ્યાર્થીઓ પણ અનેક વખત સ્ટ્રેસની વાતો કરતા સંભળાય છે.
2. ખરાબ ખોરાક : આપણા સ્વાસ્થ્ય પર સૌથી વધારે જેની અસર પડતી હોય છે તે હોય છે ખોરાકની. આપણે જેવો ખોરાક લઈએ છીએ તે પ્રમાણે આપણું શરીર કામ કરતું હોય છે તેવું સામાન્ય રીતે આપણે માનીએ છીએ. વડીલો હેલ્ધી ડાયટ ખાવા પર વધારે ધ્યાન આપવાનું કહેતા હોય છે પરંતુ નવી જનરેશન હેલ્ધી ખાવાને બદલે ફાસ્ટ ફૂડ ખાવાનું વધારે પસંદ કરે છે. જમવાનો સમય પણ નિયમિત નથી હોતો.
3. પૂરતી ઉંઘ ન મળવી : આખો દિવસ આપણું શરીર કામ કરતું હોય છે. શારીરિક શ્રમ આપણા શરીરને પડતો હોય છે. ત્યારે શરીરને પૂરતો આરામ મળી રહે તે માટે ઉંઘ આવશ્કય છે. જો શરીરને પૂરતી ઉંઘ નથી મળતી તો શરીર પર તેની અસર દેખાવવાની શરૂ થઈ જાય છે. પૂરતી ઉંઘ ન મળવાને કારણે અથવા તો મોડા સુધી જાગવાને કારણે હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે.
4. વ્યસન : આજકાલ અનેક લકો ધૂમ્રપાન કરતા હોય છે. ધ્રૂમપાનને કારણે હૃદય પર ગંભીર અસર થતી હોય છે. હાર્ટ સંબંધિત બીમારીઓ તેમજ અચાનક હાર્ટ એટેકનો ખતરો પણ વધારે રહેતો હોય છે. ધૂમ્રપાનથી ધમનીઓમાં લોહીના ગંઠાવાનું કારણ બની શકે છે. આ ધમનીઓની કામગીરીમાં અવરોધ લાવી શકે છે. અને આ લક્ષણોને કારણે હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધી જાય છે.
5. અતિશય કસરત કરવી : સામાન્ય રીતે આપણે શારીરિક રીતે મજબૂત રહેવા માટે કસરત કરતા હોઈએ છીએ. અનેક લોકો જીમમાં જતા હોય છે. પરંતુ વધારે પડતી કસરત પણ જીવન માટે જોખમી સાબિત થાય છે. થોડા સમયમાં એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં નિયમીત રીતે કસરત કરતા લોકો પણ હાર્ટ એટેકનો ભોગ બનતા હોય છે.કસરત શરીર માટે સારી છે પરંતુ અતિશય કસરત ઘાતકી સબિત થઈ શકે છે. વધુ પડતી કસરત કરવાને કારણે પણ હાર્ટ એટેક આવવાના કિસ્સામાં વધારો થાય છે.
શું છે હાર્ટ એટેક આવવાના લક્ષણો?
હાર્ટ એટેકના લક્ષણોની વાત કરીએ તો છાતીમાં ભારેપણું લાગે છે. સામાન્ય પરિસ્થિતિમાં પણ શ્વાસ લેવાની તકલીફ પડવી. એક કે બે માળની સિડીઓ ચઢો અને ઉતરો તો શ્વાસ લેવામાં તકલીફ પડે. અનેક કિસ્સાઓમાં ચક્કર આવવા અથવા તો ગભરામણ થવી પણ બનતું હોય છે. આ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. જો આવું થાય તો ડોક્ટરનો સંપર્ક તરત કરવો જોઈએ. કોઈ વખત એવું પણ થાય કે ખાધા પછી ગળામાં બળતરા શરૂ થઈ જાય. દિવસ દરમિયાન જ્યારે પણ તમે કંઇક ખાઓ ત્યારે પણ આ અનુભવી શકાય છે. આ પણ હૃદય હુમલાનું લક્ષણ હોઈ શકે છે.
હાર્ટ એટેકથી બચવાના ઉપાયની વાત કરીએ તો -
જોબ પર સ્ટ્રેસને કારણે અનેક લોકોના મોત થતા બોય છે. હાલનું જીવન સ્ટ્રેસફૂલ થઈ ગયું છે. સ્ટ્રેસ લેવાના કારણે લોકો અનેક ગંભીર બિમારીઓનો ભોગ બની રહ્યા છે.સ્ટ્રેસને દૂર કરવા માટે નેચરની વચ્ચે રહેવું જોઈએ. પ્રકૃતિના સાનિધ્યમાં થોડો સમય વિતાવવો જોઈએ. તે સિવાય આરોગ્ય વર્ધક જમવાનું ખાવું જોઈએ. બહારનું ફાસ્ટ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. વ્યસન આપણા શરીર માટે ઉપરાંત બીજાના સ્વાસ્થય માટે જોખમી છે તો વ્યસન કરવાનું છોડવું જોઈએ. કસરત શરીર માટે સારી છે પરંતુ કોઈ પણ વસ્તુનું અતિશય જોખમી સાબિત થાય છે. જોબના સમય દરમિયાન બેઠાડુ જીવન થઈ ગયું છે. માટે ઓફિસના સમય દરમિયાન થોડું હલન ચલન કરવું જોઈએ.