ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા ભાજપ સક્રિય થઈ ચૂંટણી પ્રચાર કરી રહી છે. પોતાના કામોને મતદારો સુધી પહોંચાડવા ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. જેમાં કેન્દ્રીય મંત્રી ઉપસ્થિત રહી ભાજપ તરફ લોકોને આકર્ષવાનો પ્રયાસ કરે છે. ત્યારે મોરબી ખાતે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલની આગેવાનીમાં ગૌરવ યાત્રા નિકળી હતી. મોરબીના વાંકાનેર ખાતે આ યાત્રાને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મહિલાઓએ ખાલી ઘડા વગાડી વિરોધ દર્શાવ્યો હતો.
ખાલી વાસણ વગાડી મહિલાઓએ કરી પાણી આપવાની માગ
છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. ગૌરવ યાત્રામાં ભાજપ પોતાના દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોનો પ્રચાર કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાના ભાષણમાં ઘર ઘર સુધી પાણી પહોંચાડ્યું છે તેવી વાતો કરતા હોય છે. ત્યારે આ જ મુદ્દાને લઈ કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મોરબીના વાંકાનેર ખાતે આવેલી તેમની ગૌરવ યાત્રા દરમિયાન મહિલાઓએ ખાલી ઘડા વગાડી તેમના ઘર સુધી પાણી પહોંચાડવાની માગ કરી હતી. પીયુષ ગોયલે પોતાના પ્રવાસની તસવીરો ટ્વિટ કરી છે જેમાં તેમણે યાત્રા દરમિયાન મળેલા જન પ્રતિસાદની વાત કરી છે. ડબલ એન્જીન સરકારની ઘણી વાતો કરી પરંતુ યાત્રામાં થયેલા વિરોધ દર્શાવવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું. આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્ય નરેશ બલ્યાએ વિરોધનો વીડિયો શેર કર્યો હતો.
આમ આદમી પાર્ટીએ કર્યો કટાક્ષ
ચૂંટણી નજીક આવી રહી છે એટલા માટે આ વાતની નોંધ પણ બીજી પાર્ટી દ્વારા લેવામાં આવતી હોય છે. આવા મુદ્દાઓને લઈ રાજકીય ઓપ આપી પાર્ટી પર પ્રહાર કરવામાં આવે છે. આ મુદ્દાને લઈ આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્ય નરેશ બલ્યાએ ભાજપના ગુજરાત મોડલ પર કટાક્ષ કર્યા હતા. વીડિયો પોસ્ટ કરતા તેમણે લખ્યું કે આ ભાજપનું વિકાસ મોડલ છે. ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનો મોરબીની માતા બહેનોએ પાણીના વાસણ વગાડીને વિરોધ કર્યો હતો. પીયુષ ગોયલને પાણી આપવાની માગ કરી હતી. ભાજપ 27 વર્ષ સુધી પાણી પણ પહોંચાડી શક્તી નથી.