ભારતીય નૌકાદળે એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે. જે અંતર્ગત નૌકાદળના વિશિષ્ટ બળોમાં મહિલાઓને સ્થાન આપવામાં આવશે. સેનાના કોઈપણ ભાગમાં કમાન્ડો તરીકે કાર્યભાર મહિલા સંભાળી શકશે તેવી મંજૂરી આપવામાં આવી છે. અધિકારીએ આ અંગેની માહિતી આપી છે પરંતુ સત્તાવાર રીતે જાહેરાત થવાની બાકી છે.
ભારતીય નૌકાદળમાં મહિલાઓ બની શકશે કમાન્ડો
ભારતીય સેના, નૌકાદળ તેમજ એરફોર્સમાં એવી ટૂકડી તેમજ દળ હોય છે જેને વિશેષ ઓપરેશન માટે તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ એકદમ સખત હોય છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે આ તાલીમ મહિલાઓને પણ આપવામાં આવશે. જો મહિલાઓ આ પરિક્ષામાં અને નક્કી કરાયેલા માપદંડમાં પાસ થશે તો તેમને નેવીમાં મરીન કમાન્ડોની પોસ્ટ આપવામાં આવી શકે છે. ભારતના સૈન્ય ઈતિહાસમાં આ ઐતિહાસિક પગલું માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે સીધા જ વિશેષ બળમાં સામેલ નહીં કરવામાં આવે પરંતુ શરૂઆતના સમયે સ્વયંસેવક તરીકે કામ કરવું પડશે.