ભારતીય જનતા પાર્ટીમાં ચાલતા આંતરિક ડખા ચરમસીમાઓ પહોંચ્યા છે તેવું ધણા સમયથી કહેવામાં આવી રહ્યું છે. નિષ્ણાંતોનું માનવું છે કે આ વખતની ચૂંટણીમાં ભાજપને આંતરિક ડખા જ નડ્યા છે સૌથી વધારે. ભાજપના નેતાઓમાં રહેલો અસંતોષ ખુલ્લીને સામે આવી રહ્યો છે. જવાહર ચાવડાએ એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે જે સાંભળ્યા બાદ લાગે કે માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈક નવા જૂની કરી શકે છે.
ભાજપના જ ધારાસભ્યો નિભાવી રહ્યા છે વિપક્ષની ભુમિકા!
લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં નવા જૂનીના એંધાણ જોવી મળી શકે છે. ભાજપના નેતાઓમાં ચાલતો અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. એક બાદ એક નેતાઓની આવતી પ્રતિક્રિયા જાણે આ વાતને સંદેશો આપી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કોઈ વખત ભાજપના ધારાસભ્યો પોતાની સરકાર સામે અવાજ ઉઠાવે છે, અધિકારીઓ તેમનું માનતા નથી તેવી રજૂઆત કરે છે.
મનસુખ માંડવિયા પર જવાહર ચાવડાએ સાધ્યું નિશાન!
આ બધા વચ્ચે ટૂંક સમયમાં જો ભારતીય જનતા પાર્ટીમાં નવા જૂની જોવા મળે તો પણ નવાઈ નહીં. માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાએ એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે તેમાં તેઓ મનસુખ માંડવિયા પર ખુલીને બોલ્યા હોય તેવું લાગે છે. વીડિયોમાં તે કહી રહ્યા છે કે મે દસ વરસ સુધી ખેડૂતો અને બીપીએલ ધારકો માટે લડત ચલાવી છે. હું બીજેપીમાં જોડાયા પહેલા મશાલ લઇ લડત કરતો હતો. મારી એક અલગ ઓળખ છે અને મારી ઓળખ પર ભાજપએ તેમની ઓળખ બનાવી છે.