છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં રખડતા ઢોરનો મુદ્દે ગરમાઈ રહ્યો છે. રસ્તા પર રખડતા પશુનો ભોગ અનેક લોકોને, અનેક રાહદારીઓને બનવું પડતું હોય છે. અનેક લોકોના મોત પણ ગાયોની અડફેટે આવતા થઈ જતા હોય છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ ગુજરાતમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઝુંબેશ ચાલી રહી છે રખડતા પશુઓને પકડવાની. ત્યારે ઢોરવાડાનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં પકડાયેલી ગાયોને જે સ્થિતિમાં રાખવામાં આવે છે તે ખુબ દયનિય છે. ગાય માટે પૂરતી જગ્યા નથી.
ચૂંટણી સમયે યાદ આવતી ગાય ચૂંટણી બાદ તમાશો બની જાય છે!
આપણે ત્યાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે. ગાયને માતાની જેમ પૂજવામાં આવે છે. ગાયોના નામ પર અનેક વખત વોટ પણ માગવામાં આવે છે. ચૂંટણીનો મુદ્દો પણ ગાયોને બનાવવામાં આવે છે પરંતુ જ્યારે ચૂંટણી પૂર્ણ થઈ જાય તે બાદ? ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ ગાય એક સમસ્યા બની જાય છે. એ વાતનો ઈન્કાર ન કરી શકીએ કે રસ્તા પર જોવા મળતા રખડતા પશુઓને કારણે લોકોના જીવ પર ખતરો નથી. ખતરો તો છે, પરંતુ ગાયને જીવવાનો અધિકાર પણ છે. જે દ્રશ્યો સામે આવ્યા છે તે જોઈને દયા આવી રહી છે. ગાયોને જે પરિસ્થિતિમાં રાખવામાં આવી છે તે ખૂબ દયનીય છે.
માલધારીઓએ રડતા રડતા પોતાની વેદના રજૂ કરી
ઢોરવાડાનો વીડિયો સામે આવ્યા બાદ જ્યારે જમાવટની ટીમે માલધારી લોકોનો સંપર્ક કર્યો હતો, તેમની પીડાને જાણવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેમના દ્વારા કહેવાયા શબ્દોમાં તેમની પીડા દેખાઈ રહી હતી. ગાયને છોડાવવા માટે આવેલા માલધારી દાદાએ રડતા રડતા પોતાની પીડાને વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે પોલીસ અને કોર્પોરેશન અમને દબાવે છે અને મારવા આવે છે. 50 -50 લાખોની ગાયોની જવાબદારી કોર્પોરેશન નથી લેતું. તે સિવાય માલધારી સમાજના લોકોએ ગોચર જમીનની માગ સરકાર પાસે કરી છે. તેમણે કહ્યું કે ગાયો અમારૂં ધન છે અને અમારી સામે એ ધન લૂંટાઈ રહ્યું છે...
લોકોના જીવન પર રહેતું હોય છે રખડતા ઢોરને કારણે સંકટ
મહત્વનું છે કે માલધારીઓની સમસ્યા અંગે સરકાર નથી સમજી રહી તો બીજી તરફ સામાન્ય નાગરિકોની પીડાને પણ નથી સમજી રહી. રસ્તા પર રખડતા ઢોરને કારણે અનેક લોકોના મોત થયા છે. અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે ટીમ રખડતા ઢોરને પકડવા આવે છે ત્યારે જે રીતે ઢોર માલિકો પશુને દોડાવે છે તેને કારણે લોકોના જીવન પર સંકટ તોળાતું હોય છે. ત્યારે એવો કોઈ માર્ગ નિકળે કે માલધારી સમાજના લોકોને પણ નુકસાન ન થાય, ગાયોને પણ નુકસાન ન થાય અને સામાન્ય નાગરીકને પણ ભોગવવાનો વારો ન આવે...!