ગુજરાતમાં છેલ્લા અનેક દિવસોથી આંદોલનો ચાલી રહ્યા છે. સરકાર અનેક આંદોલનને શાંત કરવામાં સફળ ગઈ છે . ત્યારે હવે બનાસકાંઠામાં ગૌ-શાળા સંચાલકો સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે. 500 કરોડ સહાય આપવાની જાહેરાત બાદ પણ હજી સુધી પૈસા ન મળતા તેઓ રોષે ભરાયા છે. સરકાર દ્વારા સહાય ન મળતા તેઓ સરકાર સામે વિરોધ કરી રહ્યા છે. પોતાના આંદોલનને વેગ આપવા અનેક કાર્યક્રમો કરી ચૂક્યા છે. હવે તેમના સમર્થનમાં કરણી સેના આવી છે. સરકારને અલ્ટિમેટમ આપી સરકારને પ્રેશરમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
કરણી સેનાએ સરકારને આપ્યું અલ્ટિમેટમ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ ગુજરાતમાં આંદોલનોનો દોર શરૂ થઈ ગયો હતો. અનેક કર્મચારીઓએ પોતાની પડતર માગણીને લઈ વિરોધ નોંધાવ્યો હતો. મામલાને શાંત પાડી સરકારે થોડો રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે હવે બનાસકાંઠામાં ગૌ-શાળા સંચાલકો વિરોધ કરી રહ્યા છે. આ આંદોલનને સમર્થન આપવા કરણી સેના પણ પહોંચી છે. કરણી સેનાએ સમર્થનમાં આવી સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહે કહ્યું કે ગુજરાત સરકારને 30 દિવસ સુધીનો સમય આપીએ છીએ. ગૌ-સેવા માટે જાહેર કરવામાં આવેલ 500 કરોડની સહાય નહીં મળે ત્યાં સુધી અમે તેમના સમર્થનમાં રહીશું.
અનેક વખત ગૌ-શાળા સંચાલકો આપી ચૂક્યા છે ચેતવણી
સરકાર દ્વારા સહાયની જાહેરાત કર્યા બાદ પણ 500 કરોડ ન મળતા ગૌ-શાળા સંચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. સરકાર તેમણે જલ્દી સહાય આપે તે માટે તેમણે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. સમય અવધી પૂરી થતા ગૌ-શાળા સંચાલકોએ પોતાની ગાયોને રસ્તા પર છોડી મૂકી હતી. પરંતુ તે બાદ પણ સહાય ન મળતા સામુહિક મુંડન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં 101 લોકોએ મુંડન કરાવી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.