કોરોના સંક્રમણને કારણે વિશ્વના દેશોની ચિંતા વધી છે. ચીનમાં તો કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેવી રીતે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ચીનમાં વધતા કોરોના કેસને કારણે ભારત, પાકિસ્તાન, અમેરિકા જેવા દેશોમાં કોરોનાના કેસ વધી શકે છે તેવી આશંકાઓ સેવાઈ રહી છે. ઓડિશાના હેલ્થ ડિપાર્ટમેન્ટના સ્પેશલ સેક્રેટરીએ એવી સંભાવના વ્યક્ત કરી છે જે અનુસાર ભારતમાં માર્ચ મહિનામાં કોરોનાની ચોથી લહેર આવી શકે છે.
ભારતમાં આવી શકે છે કોરોનાની ચોથી લહેર
ચીનમાં વધતા કોરોના કેસને કારણે અનેક દેશોએ પ્રતિબંધો લાદી દીધા છે. ભારતમાં પણ કોરોના કેસ માથુ ઉંચકી શકે છે તેવી સંભાવનાઓ હાલ દેખાઈ રહી છે. XBB 1.5 વેરિઅન્ટથી લોકો સંક્રમિત થઈ રહ્યા છે. તેના પણ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે ભારતમાં ચોથી લહેર આવી શકે છે તેવો અનુમાન લગાવામાં આવ્યું છે.
આ રાજ્યોમાં નોંધાયા આટલા કોરોનાના કેસ
દેશના અનેક રાજ્યોમાં કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. લોકો નવા વેરિઅન્ટથી સંક્રમિત થઈ રહ્યા છે. અનેક રાજ્યોમાં નવા વેરિઅન્ટના કેસ નોંધાઈ રહ્યા છે. ઉપરાંત કોરોના કેસની વાત કરીએ તો કેરળમાં નવા 58 કેસ સામે આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 16 નવા કેસ નોંધાયા છે. કર્ણાટકમાં 34 કેસ નોંધાયા છે. સંક્રમિતોનો આંકડો વધતા તંત્રની ચિંતા વધી છે. આગામી સમયમાં કોરોનાને કારણે વધુ લોકો સંક્રમિત થઈ શકે તેવી સંભાવના નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.