વાઈબ્રન્ટ ગુજરાત મામલે સમાચાર આવ્યા છે કે રાજ્યના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં અનાજના જથ્થા પૂરા થઈ રહ્યા છે. આ મામલે ગુજરાતના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરને પણ ગુજરાત મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખે ધ્યાન દોર્યું છે કે જો અનાજ આપવામાં નહીં આવે તો પછી મધ્યાહન ભોજનના અનેક કેન્દ્રો બંધ કરવા પડશે અને જો એવું થશે તો નાના બાળકો ભૂખ્યા રહેશે. ગુજરાતના શિક્ષણ વ્યવસ્થાના વધુ એક મુદ્દા વિશે બોલવું અને લોકો સુધી માહિતી પહોંચાડવી એટલા માટે અતિ જરૂરી છે કારણ કે જો આજ નહીં તો ક્યારેય નહીંની સ્થિતિ થઈ જશે.
લાખો બાળકોના મોઢાનો કોળિયો છીનવાઈ જશે...
સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતના મધ્યાહન ભોજનનો જથ્થો પૂરો થઈ રહ્યો છે. જો હવે જથ્થો આપવામાં નહીં આવે તો પરિસ્થિતિ એવી થશે કે શાળામાં ભણતા ભૂલકાઓ ભુખ્યા રહેશે. વાત એમ છે કે ઘણા બધા જિલ્લાઓમાં ઓક્ટોબર મહિનાનો જથ્થો હજુ સુધી પહોંચ્યો નથી. અનેક જિલ્લામાં દાળ ખતમ થઈ ગઈ છે અને અમુક જિલ્લામાં હજુ જથ્થો પહોંચવાનો જ બાકી છે. આના કારણે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે જો દાળ અને અનાજ પહોંચાડવામાં નહીં આવે તો ગુજરાતના અનેક મધ્યાહન કેન્દ્રો બંધ થઈ જશે. અને જો આવું થશે તો લાખો બાળકોના મોઢાનો કોળિયો છીનવાઈ જશે.
બાળકોને ભોજન મળે તે હતો યોજનાનો હેતુ
આપણે જાણીએ કે એવું કહેવામાં આવે છે કે મધ્યાહન ભોજન શરૂ કરવા પાછળનું કારણ એવું હતું કે નાના બાળકો શાળામાં ભણવા આવે. પહેલા છોકરાઓ ભણવા નહોતા આવતા. પરિસ્થિતિ ગરીબ હોવાના કારણે મા બાપ છોકરાઓને કામ કરવા માટે લઈ જતા હતા કે એક ટંક જમવાનું થઈ રહે. પછી સરકારે વિચાર્યું કે બાળકોને કામ કરાવીને માબાપ રોટી માટે મહેનત કરે છે તો બાળકોને શાળામાં જ જમવાનું આપી દેવામાં આવે તો કેવું રહે? એટલે છોકરાઓ ભણવા પણ આવશે અને તેમને જમવાનું પણ મળી રહેશે. અને પછી શરૂ થાય છે મધ્યાહન ભોજન. આવી વાતો કહેવામાં આવે છે.
કુપોષણમાં ગુજરાત બીજા રાજ્યોની તુલનામાં આગળ છે!
એક તો ગુજરાતમાં બીજા રાજ્યોની તુલનામાં કુપોષણ ખૂબ વધારે છે એવું સંસદમાં જ મંત્રી દ્વારા બોલવામાં આવે છે અને બાળકોને પૌષ્ટિક આહાર આપતી મધ્યાહન ભોજન યોજના જ બંધ કરી દેવામાં એવી પરિસ્થિતિ ગુજરાતમાં પેદા થશે તો તમે શિક્ષણની વ્યવસ્થા ક્યાં લઈ જઈ રહ્યા છો એ મામલે એકવાર વિચારવું પડશે. સરકાર એટલા માટે છે કારણ કે લોકોની સુખાકારી થાય.