નવરાત્રી પર્વની ઉજવણી ધામધૂમથી કવરામાં આવી. આજે દશેરાની ઉજવણી સમગ્ર દેશમાં કરાઈ રહી છે. હિંદુ ધર્મમાં દશેરાનું સ્થાન મહત્વપૂર્ણ છે. દશેરા અર્થાત વિજયાદશમીનું ખૂબ જ મહત્વ છે. દશેરાના દિવસે રાવણ દહન તો અનેક જગ્યાઓ પર કરવામાં તો આવે છે પરંતુ તે દિવસે શસ્ત્ર પૂજાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સાધનો અને શસ્ત્રોની પૂજા કરવાથી વિજયનું વરદાન મળે છે. આપણે ત્યાં આ પરંપરા વધારે પ્રચલિત નથી પરંતુ દક્ષિણ ભારતમાં આ પરંપરા આપણને જોવા મળે છે.
વિજયાદશમીના દિવસે સાધનોની કરાય છે પૂજા
આજે વિજયાદશમી... સત્યનો અસત્ય પર વિજય... ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો જેથી આ દિવસ વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. આપણે ત્યાં આ દિવસે રાવણનું દહન કરવામાં આવે છે, રાવણના પુતળાને બાળવામાં આવે છે. પરંતુ અનેક જગ્યાઓ પર આજે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. શસ્ત્ર પૂજન એટલે પોતાના શસ્ત્રોની પૂજા કરવી. આ દિવસે તમામ સાધનોને સાફ કરી તેમની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ક્ષત્રિયો તેમના શસ્ત્રોની પૂજા કરે છે, કારીગરો તેમના સાધનોની પૂજા કરે છે, કલા સાથે સંકળાયેલા લોકો તેમના સાધનોની પૂજા કરે છે. લોકો જે કાર્ય સાથે જોડાયેલા હોય છે તેની પૂજા કરવામાં આવે છે. પહેલાના સમયમાં ક્ષત્રિય લોકો યુદ્ધમાં જવા આજનો દિવસ પસંદ કરતા હતા જેથી તેમને વિજયનું વરદાન મળે.
વિજયાદશમી સાથે જોડાયેલી છે આ પૌરાણીક કથા!
શસ્ત્ર પૂજા સાથે પૌરાણીક કથા પણ જોડાયેલી છે.. પૌરાણીક કથા અનુસાર મહીષાસુરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો હતો અને તેનો અત્યાચાર પણ વધી રહ્યો હતો. દેવતાઓ ત્રસ્ત થઈ ગયા હતા. ત્યારે મહિષાસુરનો વધ કરવા માટે અલગ અલગ દેવતાઓએ પોતાની શક્તિ ભેગી કરી. તેમના તેજથી માતાજીની ઉત્પત્તિ થઈ. માતાજીને દેવતાઓએ તેમના દિવ્ય શસ્ત્રો તેમજ આયુધો પ્રદાન કર્યા. તે શસ્ત્રોના મદદથી દેવીએ મહિષાસુરનો વધ કર્યો હતો. શસ્ત્રોની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ -
आश्विनस्य सिते पक्षे दशम्यां तारकोदये.
स कालो विजयो ज्ञेयः सर्वकार्यार्थसिद्धये
રાજનાથસિંહ તેમજ હર્ષ સંઘવીએ કરી શસ્ત્ર પૂજા
ભારતીય સેના દ્વારા પણ શસ્ત્ર પૂજા કરવામાં આવે છે. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા શસ્ત્રની પૂજા કરવામાં આવી છે. અરૂણાચલ પ્રદેશમાં રાજનાથ સિંહે આર્મી જવાનો સાથે શસ્ત્ર પૂજામાં ભાગ લીધો હતો. ઉપરાંત ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સુરત ખાતે શસ્ત્ર પૂજા કરી પરંપરા નિભાવી હતી.