દર વર્ષે 16 માર્ચના રોજ નેશનલ વેક્સિનેશન ડેની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1995માં આ જ દિવસે ભારતમાં પ્રથમવાર પોલિયો રસી આપવામાં આવી હતી. જે બાદ દર વર્ષે આ તારીખને નેશનલ વેક્સિનેશન ડે તરીકે ઉજવાય છે. માનવના જીવનમાં રસીકરણનું મહત્વ રહેલું છે અને તે અંગે જ માહિતગાર કરવા આ દિવસે રસીકરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
રસીને કારણે વધે છે રોગપ્રતિકારક શક્તિ
કોરોના કાળે અનેક વસ્તુઓનું મહત્વ સમજાવી દીધું છે. રસીકરણનું પણ મહત્વ આપણને તે સમય દરમિયાન સમજાઈ ગયું હતું. રસીનું મહત્વ સમાજાવવા દર વર્ષે નેશનલ વેક્સિન ડેની ઉજવણી કરવામાં આવે છે. રસીકરણને કારણે સંક્રામક રોગથી બચવા માટે ઈમ્યૂન સિસ્ટમ એક્ટિવ થાય છે. અને રોગ પ્રતિકારક શક્તિને વધુ સારી બનાવે છે. રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પોલિયોને કારણે અનેક લોકોના જીવ ગયા છે. ત્યારે દેશમાંથી પોલિયોને નાબુદ કરવા સરકાર દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
પોલિયોને નાબુદ કરવા દેશમાં ચાલ્યું હતું અભિયાન
પોલિયોને કારણે અનેક લોકો ક્ષતિગ્રસ્ત થયા હતા. પોલિયોને જડમૂળથી નાશ કરવા ભારત સરકારે અભિયાન ચલાવ્યું હતું. 16 માર્ચના રોજ પહેલી વાર દેશમાં પોલિયો રસી આપવામાં આવી હતી. રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. 5 વર્ષ સુધીના બાળકોને પોલિયો રસીના બે ટીપા આપવામાં આવ્યા હતા. આ અભિયાનને સાર્થક કરવા સરકારે ભારે જહેમત ઉઠાવી હતી. સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનું પરિણામ મળ્યું છે. થોડા વર્ષો પહેલા વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કર્યો હતો. પોલિયો રસીકરણ અભિયાનની સફળતા બાદ ભારતમાં અનેક રસીકરણના અભિયાન ચલાવવામાં આવ્યા હતા. ટીબી, બીસીજી જેવી ગંભીર બિમારીઓથી રક્ષણ મેળવવા વેક્સિન ઉપયોગી સાબિત થઈ છે.
રસીકરણથી અનેક જીવલેણ બિમારીઓથી મેળવી શકાય છે રક્ષણ
કોરોના કાળે રસીકરણનું મહત્વ આપણને સમજાઈ ગયું હતું. કોરોનાએ વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. જીવલેણ સાબિત થયેલા કોરોનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે કોરોના સામે રક્ષણ મેળવવા કોરોના વેક્સિને મહત્વની ભૂમિકા ભજવી હતી. રસીકરણને કારણે લોકો પોલિયો સહિત અનેક જીવલેણ રોગોથી રક્ષણ મેળવી શકે છે.