આગામી મહિને કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી યોજાવાની છે. અનેક દિગ્ગજ નેતાઓના નામ રેસમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સૌથી આગળ જેનું નામ ચર્ચામાં હતું એવા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધુ છે. મળતી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાનો ઈન્કાર કર્યો જેનાથી હાઈ કમાન્ડ નારાજ થઈ હતી.
શા માટે ગેહલોતે પરત લીધું નામ
કોંગ્રસની નવી નીતિ પ્રમાણે એક વ્યક્તિ એક પદ જ સંભાળી શકે છે. જેને કારણે અશોક ગેહલોતને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડે. પરંતુ રાજસ્થાનમાં ગેહલોત બાદ કોણ મુખ્યમંત્રી બનશે તેને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. કોંગ્રેસ હાઈ-કમાન્ડ સચિન પાયલટને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવા ઈચ્છે છે તેવું લાગે છે. પરંતુ કોઈ પરિણામ આવે તે પહેલા ગેહલોતના સર્મથનમાં આવેલા ધારાસભ્યોએ પોતાનું રાજીનામું સૌંપી દીધુ હતું.
નારાજ થયેલા ધારાસભ્યોના મત જાણવા બે સિનિયર નેતાઓને રાજસ્થાન મોકલ્યા હતા. ત્યાં જઈને મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનને રજૂઆત કરવામાં આવી હતી કે જ્યાં સુધી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી ન પતે ત્યાં સુધી મુખ્યમંત્રી ન બદલવા જોઈએ. રાજસ્થાનની પરિસ્થિતિનું નિરીક્ષણ કરી પોતાનો રિપોર્ટ કોંગ્રેસ હાઈ કમાન્ડને સોંપશે. અશોક ગેહલોત સિવાય શશિ થરૂર પણ આ રેસમાં આગળ છે. તેમના સિવાય બીજા એક-બે નામો પણ લિસ્ટમાં હતા. અશોક ગેહલોતને સોનિયા ગાંધી તેમજ ગાંધી પરિવારના ખાસ માનવામાં આવતા હતા. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી કોને વોટ આપે છે તેની પર બધાની નજર છે.
ભારત જોડો યાત્રા કરતા કોંગ્રેસ જોડો યાત્રા કરવાની લોકોએ આપી સલાહ
ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી દેશમાં રહેલા કોંગ્રેસના સભ્યોને જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો બીજી બાજુ દેશના વિવિધ રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીમાં ભંગાણ થઈ રહ્યું છે. કોંગ્રેસના વિવિધ દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ કોંગ્રેસ જોડો અભિયાન ચલાવવું જોઈએ તેવું લોકો કહી રહ્યા છે.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને પડી શકે છે ફટકો
2023માં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દર 5 વર્ષે રાજસ્થાનમાં સરકાર બદલાતી રહે છે. ત્યારે આ રાજકીય ડ્રામાની અસર ચૂંટણી પર પણ પડી શકે છે. જો ચૂંટણી લડી અશોક ગેહલોત રાષ્ટ્રીય અધ્યક્ષ બની જાય અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર ન આવે તો અશોક ગેહલોત હાઈ કમાન્ડને શું મોઢું બતાવે. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર રહે અને કોઈ વિવાદ ઉભો ન થાય તે માટે અશોક ગેહલોતે પોતાનું નામ પાછું ખેંચી લીધું હોય તેવું હાલ માનવામાં આવી રહ્યું છે.