દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા અનેક પ્રકારના યજ્ઞ, પૂજા, સ્તુતિ કરવામાં આવે છે. ઉપરાંત જુદા-જુદા પ્રકારની સામગ્રીઓ ચડાવવામાં આવે છે. કોઈ પણ દેવતાની પૂજા ફૂલોનું વિશેષ મહત્વ રહેલું છે. શિવજીને બિલીપત્ર વધારે પ્રિય હોય છે. એવું માનવામાં આવે છે કે પૂજા દરમિયાન ભગવાનને પ્રિય વસ્તુ અર્પણ કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. જેમ ભગવાન ગણપતિને ક્યારે પણ તુલસી અર્પણ કરવામાં નથી આવતી તેવી જ રાીતે શિવજીને ક્યારે પણ કેવડો ચઢાવવામાં આવતો નથી.
સોમવાર ભગવાન શંકરને સમર્પિત હોય છે. સોમવારે ભગવાન શંકરની પૂજા કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. પૂજા દરમિયાન જુદા જુદા પ્રકારની સામગ્રીઓ ચડાવીને ભગવાનના આશીર્વાદ મેળવી શકાય છે. ભોલેનાથને પ્રસન્ન કરવા બિલીપત્ર અર્પણ કરવામાં આવે છે. પરંતુ મહાદેવજીની પૂજામાં ક્યારે પણ કેવડાનો ઉપયોગ કરવામાં આવતો નથી. પ્રચલિત કથા અનુસાર ભગવાન શંકરે કેવડાને શ્રાપ આપ્યો હતો જેને કારણે મહાદેવજીની પૂજા દરમિયાન કેવડાનો ઉપયોગ કરવો નિષેદ છે.
પ્રચલિત કથા અનુસાર સૃષ્ટિના પ્રારંભ વખતે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુજી વચ્ચે વિવાદ સર્જાયો હતો. બંને દેવતાઓ વચ્ચે વિવાદ છેડાયો કે બંનેમાંથી શ્રેષ્ઠ કોણ? બ્રહ્માજીએ કહ્યું કે આ સૃષ્ટિનું નિર્માણ મેં ક્યું છે જેને કારણે હું મહાન છું. આ વાત પર ભગવાન વિષ્ણુએ કહ્યું કે આ સૃષ્ટિનું સંચાલન હું કરું છું જેથી હું શ્રેષ્ઠ છું.
વિવાદ ચાલી રહ્યો હતો કે તે સમયે બંનેની સામે એક મોટું શિવલિંગ પ્રગટ થયું. અને આકાશવાણી થઈ કે આ શિવલિંગનો છેડો જેને મળશે તે સર્વશ્રેષ્ઠ હશે. અનેક પ્રયત્નો કરવા છતાંય વિષ્ણુ ભગવાનને શિવલિંગનો છેડો ન મળ્યો. બ્રહ્માજીને પણ શિવલિંગનો છેડો ન મળ્યો. પરંતુ બ્રહ્માજીએ છલ કર્યું અને કહ્યું કે મને શિવલિંગનો છેડો મળી ગયો છે. આ ઘટનાનો સાક્ષી કેતકી એટલે કે કેવડો બન્યો. ધતૂરાએ બ્રહ્માજીની વાતને સમર્થન આપ્યું.
બંનેની વાત સાંભળી મહાદેવજી સ્વયં પ્રગટ થયા. મહાદેવજીએ બ્રહ્માજીને ઠપકો આપ્યો. બંને દેવોએ મળીને મહાદેવની આરાધના કરી હતી. મહાદેવજીએ કહ્યું કે હું જ આ સૃષ્ટિનો કરતા ધરતા છું. મારી જ પ્રેરણાથી તમે સંચાલન કરો છો. બ્રહ્માજીના જૂઠ્ઠમાં કેવડાએ સાથ આપ્યો હતો. જેને કારણે મહાદેવજીએ કેવડાને શ્રાપ આપ્યો હતો. અને કહ્યું કે આજથી મારી પૂજામાં ક્યારે પણ તેનો ઉપયોગ નહીં કરવામાં આવે. અને આ કારણથી જ શિવજીને કેવડાના ફૂલ અર્પણ કરવામાં આવતો નથી.