સ્ટોરી- Samir Parmar
Chhe ne Jordar Vaat
રાત્રે તમે મસ્ત રીતે મોં ધોઈને સૂઈ ગયા. એક સરસ મજાની ઉંઘ લીધી અને સવારે ઉઠ્યાં. ઉઠીને અરીસામાં તમારું મોઢું જોઈને તમે ચોંકી જાવ છો, કારણ કે તમારા મોઢા પર હોય છે નાનું એવું ખીલ. પણ શું તમને ખબર છે કે આ ખીલ કેમ થાય છે? જુવાન છોકરા છોકરીઓને તો ખીલથી મોઢું ભરાઈ જાય એવું કેમ થાય છે ચાલો વિગતવાર સમજીએ.
મહિલાઓને એક વસ્તુથી ખૂબ ચીડ હોય છે, જેનું નામ છે પિમ્પલ. પણ આ વસ્તુ પર તેમની ઈચ્છા નથી ચાલતી. તે ઈચ્છે કે ના ઈચ્છે તેમના મોઢા પર ખીલ થઈ જ જાય છે. જો કે માત્ર એવું નથી કે છોકરીઓને જ આ તકલીફ થાય હોય, છોકરાઓને પણ અમુક ઉંમરે ખીલ થતા હોય છે. આ ખીલ મટાડવા માટે તે અનેક પ્રકારની દવા કરે, ઘરગથ્થુ ઉપચાર કરે તો પણ આ તકલીફ દૂર નથી થતી. પણ આજે આ ખીલ કે ડાઘા વિશે વિસ્તારથી વાત કરીશું કે કેમ થાય છે? ખીલ થવા પાછળ કારણ શું હોય છે? ઉપચાર શું હોય? ખીલ એટલે ત્વચાની એવી પરિસ્થિતિ જ્યારે તેલ અને મરેલી ચામડી એક છીદ્રમાં ભરાઈ જાય. એવું નથી હોતું કે ખીલ મોઢા પર જ થાય છે. ખીલ ગરદન, પીઠ, છાતી અને ખભા પર પણ થઈ શકે છે. જ્યારે યુવાની ચાલતી હોય ત્યારે હાર્મોનલ બદલાવોના લીધે યુવાનોને આ તકલીફ વધારે થતી હોય. જો કે એવું પણ જરૂરી નથી કે ખાલી યુવાન છોકરો કે છોકરી જ આ તકલીફથી પરેશાન હોય. એક વાત સમજી લેવી જોઈએ કે ખીલ ગમે તે ઉંમરે થઈ શકે છે, પણ યુવાન હોઈએ ત્યારે કંઈક વધારે જ આ તકલીફ જોવા મળે છે.
ખીલ કેમ થાય છે?
માણસની ચામડીમાં છીદ્રો હોય છે જે નરી આંખે નથી જોઈ શકાતા. જો આ છીદ્રો જોવા હોય તો પેલું સુક્ષ્મદર્શક યંત્ર લઈને જોવું પડે. આ ત્વચા નીચે સિબેસીય ગ્લેન્ડ આવેલી હોય. સિબેસિયસ ગ્લેન્ડ એટલે તેમાંથી તેલ નીકળે. કાનમાં નાકમાં અને ચામડીમાં પણ આ ગ્રંથી જોવા મળે છે. ત્વચા પર કચરો જમા થાય, મૃત ચામડીમાં ભળે અને સીબેસિયસ ગ્લાન્ડથી નિકળેલું તેમ આમાં જમા થઈ જાય છે ત્યારે પીમ્પલ્સ થાય છે. બેક્ટેરિયાના કારણે આ પીમ્પલ્સમાં ચેપ લાગી જાય છે. ધૂળ અને માટી પણ જવાબદાર છે કારણ કે જે લોકો મોઢું નથી ધોતા તેના મોઢા પર ગંદગી જામી જવાથી ખીલ થવાની શક્યતા રહે છે. હાર્મોનલ કારણની વાત કરીએ તો જુવાનીના સમયમાં મહિલામાં ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન હાર્મોન અતિ પ્રમાણમાં બને છે. છોકરાઓમાં ટેસ્ટોસ્ટેરોન હાર્મોન અતિ પ્રમાણમાં બને છે. પણ ખીલ માટે એન્ડ્રોજન હાર્મોનમાં વધારો થવો જવાબદાર હોય છે તેવું સાબીત થયું છે.
સૌથી પહેલા ડોક્ટરને મળો
ખીલ માટે ઉપચાર કરવો હોય તો સૌથી પહેલો ઉપાય છે ડોક્ટર(ડર્મેટોલોજિસ્ટ) સંપર્ક કરો. તેમની પાસે નિદાન કરાવો. ત્યારબાદ ડોક્ટર જે દવા આપે એ દવાને નિયમિત લેતા રહેવાનું. અમુકવાર લોકો રેટિનોઈડ્સ અને રેટિનોઈડ જેવી દવા પણ લેતા હોય છે જે ક્રિમ, જેલ કે લોશનના રુપે રાતે ચહેરા પર લગાવી શકાય છે. આ સિવાય ડોક્ટર ત્વચાની તકલીફ મુજબ એંટી બાયોટિક્સ, સેલિસિકલ એસિડ, એલેજિક એસિડ, ડેપસન, બેંજોઈલ પેરોક્સાઈડ વગેરે દવા તરીકે આપતા હોય છે.
શું ધ્યાન રાખવું?
આપણે પણ આપણી રીતે અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું પડતું હોય છે. દિવસમાં બે વાર માઈલ્ડ ક્લિન્ઝરનો ઉપયોગ કરવો જોઈએ, તેલવાળો ખોરાક નહીં ખાવાનો, બને એટલું પાણી વધારે પીવાનું, કૉફી ઓછી પીવાની, સૂતા પહેલાં મહિલાઓએ મેકઅપ હટાવી દેવો, ખીલ ફોડવા ન જોઈએ, સનસ્ક્રીન, કંસીલર વગેરે ન લગાડવું જોઈએ. ખીલના ભાગમાં બહુ અડ-અડ પણ ન કરવું જોઈએ. જો આવું કરીએ તો ચપ થવાનો ચાન્સ રહે છે.
અમુક ઘરેલું ઉપચાર પણ કરી શકાય!
જો તમને ખીલ થાય તો તમે ઘરે પણ આનો ઈલાજ કરી શકો છો. સફરજનનું સિરકા ખીલવાળા ભાગ પર લગાવવું જોઈએ કારણ કે તે બેક્ટેરિયા સામે લડે છે. જોજોબાનું તેલ ચામડીના બાંધકામમાં કામ કરે છે. ખીલ ના ડાઘને ભરવામાં મદદ કરે છે. ચહેરા પર મધને પણ લગાવી શકાય કારણ કે મધ એન્ટીઓક્સિડેન્ટ હોય છે, મધ ચહેરાની ગંદગીને પણ દૂર કરે છે. સૌથી રામબાણ ઈલાજ એલોવેરા છે જેને આપણે કુંવારપાઠું કહીએ છીએ. તે શરીરને તાજું કરી દે છે. આ સીવાય ગ્રીન ટી અને નારિયલના તેલનો પણ ઉપયોગ કરી શકાય છે.