દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે. દિવાળીના દિવસો દરમિયાન ઘરના ઉંબરે તેમજ ઘરના આંગણામાં દિવાઓ તેમજ રંગોળી કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો શા માટે દિપ અને રંગોળી કરવામાં આવે છે. ત્યારે આવો જાણીએ શા માટે દિવાળી દરમિયાન પ્રગટાવવામાં આવે છે દિવા અને કેમ કરવામાં આવે છે રંગોળી.
શા માટે દિવાળીને કહેવામાં આવે છે દિપાવલી?
દિવાળીના તહેવારના થોડા દિવસો પહેલાથી ઘરના આંગળામાં દિવડા પ્રગટાવવામાં આવતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે દિવાળીને દિપાવલી તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવાળી અને દિવડાઓ વચ્ચે વિશેષ નાતો હોય છે. સામાન્ય રીતે પણ ઘરમાં દિવો પ્રગટાવવામાં આવે છે પરંતુ દિવાળીના તહેવારો દરમિયાન તેનું મહત્વ વધી જતું હોય છે. દિપોત્સવ દરમિયાન ઘર આંગણે દીવા ભૂલ્યા વગર કરવામાં આવે છે.
શું છે દીવા કરવા પાછળનું કારણ?
એવું માનવામાં આવે છે કે ચૌદ વર્ષનો વનવાસ સમાપ્ત કરીને ભગવાન રામ જ્યારે અયોધ્યા પાછા ફર્યા હતા ત્યારે તે ખુશીમાં અયોધ્યાવાસીઓ એ ઘરમાં દિવા પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારથી દિવાળીના દિવસો દરમિયાન દિવડાઓ પ્રગટાવવામાં આવે છે. અયોધ્યા ખાતે પણ આ વખતે ભવ્ય દિપોત્સવ કરવામાં આવવાનો છે. દિવાળીના તહેવારમાં દિવડાની સાથે સાથે રંગોળી પણ ઉત્સાહ વધારવાનું કામ કરે છે.
શું છે રંગોળીનું મહત્વ?
તહેવાર હોય કે જીવન રંગોનું વિશેષ મહત્વ રહેલું છે. હોળીના રંગ અને રંગોળીના રંગ બંને રંગ આપણા તહેવારને રંગીન તેમજ જીવંત બનાવી દેતા હોય છે. કોઈ પણ શુભ પ્રસંગે સમયે રંગોળી બનાવવામાં આવતી હોય છે. ઘરના ચોકમાં, પ્રવેશ દ્વાર પર તેમજ મંદિરમાં લોકો રંગોળી કરતા હોય છે. ત્યારે દિવાળી સમયે રંગોળીનું મહત્વ ખૂબ વધી જતું હોય છે. એવું માનવામાં આવે છે કે ઘર આંગણે રંગોળી કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ તેમજ લક્ષ્મીનો વાસ થાય છે. રંગોળીને રંગાવલી તરીકે પણ ઓળખવામાં આવે છે. દેશના વિવિધ રાજ્યોમાં આ અલગ અલગ નામોથી ઓળખાય છે.
સમયની સાથે બદલાતી રહી છે રંગોળીની ડિઝાઈન
રંગોના ઉપયોગથી પોતાના કલાની અભિવ્યકિત કરવી એ છે રંગોળી. રંગોળીમાં વપરાતા રંગોનું વિશેષ મહત્વ રહેલું હોય છે. રંગો ભલે સામાન્ય લાગતા હોય પરંતુ તેના દ્વારા થતા ફાયદા અનેક છે. કહેવામાં આવે છે કે દરેક રંગનું પોતાનું વિશેષ મહત્વ રહેલું હોય છે. દરેક રંગના પોતાના વાયબ્રેશન હોય છે. રંગોના તરંગોથી પોઝિટિવ એનર્જીનો ઘરમાં પ્રવેશ થતો હોય છે. રંગોળીમાં સ્વસ્તિક, દેવી દેવતાની પ્રતિમા તેમજ અવનવી ડિઝાન કરી પોતાની કલા પ્રસ્તૃત કરતા હોય છે. ઘણા લોકો ફૂલની રંગોળી પણ કરતા હોય છે. રંગોળી કરવાથી સકારાત્મક એનર્જીનો સંચાર થાય છે. સમયમાં પરિવર્તન આવતા રંગોળીની ડિઝાઈનનોમાં પરિવર્તન આવ્યું છે.