હિંદુ ધર્મમાં દરેક મહિનાનું વિશેષ મહત્વ રહેલું હોય છે. પ્રત્યેક મહિનામાં વિવિધ દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવતી હોય છે. ત્યારે દર ત્રણ વર્ષે અધિક મહિનો આવતો હોય છે જેનું વિશેષ મહત્વ રહેલું હોય છે. આ વખતે શ્રાવણ મહિના પહેલા અધિક માસ આવ્યો છે જેને લઈ અધિક મહિનો ખાસ માનવામાં આવે છે. અધિક મહિનાને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. શ્રાવણ મહિનો ભગવાન શંકરને પ્રિય છે જ્યારે પરષોત્તમ મહિનો ભગવાન વિષ્ણુને પ્રિય છે. એવું માનવામાં આવે છે કે આ મહિનામાં પ્રાર્થના કરવાથી ભગવાનની વિશેષ કૃપા મળે છે અને સર્વ મનોકામના પૂર્ણ થાય છે.
શા માટે દર ત્રણ વર્ષે આવે છે અધિક માસ?
દર ત્રણ વર્ષે અધિક મહિનો આવતો હોય છે. ત્રણ વર્ષમાં અધિક માસ આવવા પાછળનું ગણિત છે. જે મુજબ હિંદુ કલેન્ડરમાં 12 મહિનાઓ આવતા હોય છે. હિંદુ વર્ષના તમામ દિવસોની ગણતરી કર્યા પછી માત્ર 354 દિવસ થાય છે, જ્યારે એક વર્ષમાં 365 દિવસ હોય છે. આ એ સમય હોય છે જે સમયમાં પૃથ્વી સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરે છે. આ ગણતરી પ્રમાણે ઈંગલિશ કેલેન્ડર તેમજ હિન્દુ કેલેન્ડરમાં 11 દિવસ ઓછા હોય છે આ દિવસો પુરા કરવા માટે દર ત્રણ વર્ષે અધિક માસ આવે છે, જેને મલમાસ અથવા પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
વિષ્ણુ ભગવાન આવી રીતે બન્યા આ મહિનાના સ્વામી!
ધાર્મિક ગ્રંથોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે આ માસને અશુભ માનવામાં આવે છે, જેના કારણે મલમાસ પડ્યું.તમામ બારેય મહિના અલગ અલગ દેવતાઓ, સ્વામીના દેવતાઓ હોય છે. પરંતુ આ અધિક માસના કોઈ દેવતા ન હતા. તેના સ્વામી કોઈ દેવતા બનવા માગતા હતા. તે સમયે માલમાસે વિષ્ણુજીને પ્રાર્થના કરી હતી. ત્યારે તેની પ્રાર્થનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને આ મહિનાના સ્વામી બન્યા. આ કથાને કારણે આ માસને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. અધિક મહિના દરમિયાન કરવામાં આવતી પૂજાનો વિશેષ લાભ મળતો હોય છે. એમાં પણ શ્રાવણ મહિનામાં અધિક મહિનો આવવાથી શિવજીના ભક્તોમાં તેમજ ભગવાન વિષ્ણુના ભક્તોમાં આનંદની લાગણી પ્રવર્તિ ઉઠી છે.