ભગવાન સમક્ષ અર્પણ કરવામાં આવતા નૈવેદ્યનું પણ વિશેષ મહત્વ રહેલું હોય છે. અનેક લોકો ભોજન કરતા પહેલા ભગવાન સમક્ષ થાળ મૂકતા હોય છે. અનેક લોકો ભગવાનને જમાડ્યા પછી જ જમતા હોય છે. ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ ભોગ અર્પણ કરવાની વાત આવે તો આપણે કહીએ છીએ કે 56 ભોગ અર્પણ કરવા જોઈએ. પરંતુ શું ખબર છે ભગવાન શ્રીકૃષ્ણને 56 ભોગ કેમ અર્પણ કરવામાં આવે છે.
56 ભોગ ધરાવાની પાછળ લોક વાયકા એવી છે કે દ્વાપર યુગમાં લોકો ઈન્દ્ર દેવની પૂજા કરતા હતા. મથૂરા, ગોકુળના લોકો એવું માનતા હતા કે ભગવાન ઈન્દ્રને કારણે જ વરસાદ થાય છે. ઈન્દ્ર ભગવાન વરસાદ કરે છે એટલા માટે તેમનું જીવન પસાર થાય છે. તે સમયે વૃંદાવન ગોકુળના લોકોને કૃષ્ણ ભગવાને ગોવર્ધન પૂજા કરવા માટે પ્રેરિત કર્યા. બાળ કૃષ્ણના આવા કહેવાથી ગામના લોકો તેમને સમજાવવા લાગ્યા કે ઈન્દ્રની પૂજા કરવી જોઈએ. પરંતુ કૃષ્ણ ભગવાને કહ્યું કે વરસાદ કરવો તેમની ફરજ છે. આપણું ભરણપોષણ ગોવર્ધન પર્વત કરે છે. આ પર્વત પરથી મળતી વનસ્પતિઓથી આપણું જીવન ચાલે છે. એટલે ઈન્દ્રની નહીં પરંતુ ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઈએ.
કનૈયાની વાત તમામ ગામ લોકોએ માની. તે વખતે ઈન્દ્રની નહીં પરંતુ ગોવર્ધન પર્વતની પૂજા કરવામાં આવી હતી. આ વાતને કારણે ઈન્દ્ર ભગવાન ક્રોધિત થયા અને વૃંદાવનમાં ભયંકર વર્ષા કરી. જેને કારણે વૃંદાવનમાં બધું ખરાબ થવા લાગ્યું. પોતાની સમસ્યા લઈ તમામ લોકો કૃષ્ણ ભગવાન પાસે પહોંચ્યા. ભારે વરસાદથી ભગવાને લોકોનું રક્ષણ કરવા ગોવર્ધન પર્વતને પોતાની નાની આંગળી ઉપર ઉઠાવી લીધો અને વરસાદથી લોકોને સુરક્ષિત રાખ્યા. આ પ્રકારે શ્રીકૃષ્ણે ઈન્દ્ર દેવનો ઘમંડ ઉતાર્યો.
એવું માનવામાં આવે છે કે જ્યારે કૃષ્ણ ભગવાન માતા યશોદા સાથે રહેતા હતા તે સમયે માતા તેમને 8 વખત ભોજન કરાવતી હતી. પરંતુ ભારે વરસાદ થતા કૃષ્ણએ અઠવાડિયા સુધી ગોવર્ધન પર્વતને પોતાની આંગળી પર ધારણ કરી રાખ્યો હતો. કાનૂડાએ 7 દિવસ સુધી કાંઈ ખાધા પીધા વગર પસાર કર્યા. એટલે જ્યારે ઈન્દ્ર દેવે પોતાની ભૂલ સ્વીકારી વરસાદ બંધ કર્યો ત્યારે ભગવાને ગોવર્ધન પર્વતને નીચે મૂક્યો. માતા યશોદાએ પોતાની ગણતરી પ્રમાણે 56 ભોગ બનાવ્યા. અને ત્યારથી ભગવાન કૃષ્ણને 56 ભોગ ધરાવવામાં આવે છે.