ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્રણેય પાર્ટી પ્રચારમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટીએ તબક્કાવાર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ત્યારે આપ કોને મુખ્યમંત્રીનો ચહેરો બનાવશે તે પ્રશ્નનો અંત 4 નવેમ્બરના રોજ આવી જશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન તે AAPના મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરશે.
આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના નામને લઈ માગ્યા હતા સૂચનો
દરેક પક્ષ તેમજ લોકો ચૂંટણીની તારીખની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં કઈ તારીખે ચૂંટણી યોજાવાની છે તેનું એલાન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે. ત્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવવાના છે. આપે 29 ઓક્ટોબરના રોજ કોને મુખ્યમંત્રીનો ચહેરો બનાવો તે અંગે સૂઝાવો માગ્યા હતા. સૂચનો માગવાનો સમય પૂર્ણ થતા, 4 નવેમ્બરે આમ આદમી પાર્ટી પોતાના મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરવાની છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ઈસુદાન ગઢવી અથવા ગોપાલ ઈટાલિયાને આપ મુખ્યમંત્રી તરીકે મેદાનમાં ઉતારશે. પરંતુ આમ આદમી પાર્ટી કોઈ નવો ચહેરો પણ લાવી શકે છે. ત્યારે બધાની નજર અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ પર રહેવાની છે.
કોઈ જાણીતો ચહેરો આપમાં જોડાઈ શકે છે તેવું અનુમાન
મહત્વનું છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી ચૂક્યા છે. પોતાના પ્રચાર દરમિયાન બીજી રાજકીય પાર્ટીઓ પર પણ પ્રહાર કર્યા છે. અરવિંદ કેજરીવાલની હાજરીમાં અનેક દિગ્ગજ નેતાઓ આપનો ખેસ ધારણ કરી રહ્યા છે. ત્યારે આ વખતની મુલાકાતમાં પણ કોઈ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે.