આપણી સામે અનેક વખત એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં રસ્તા ન હોવાને કારણે, ઉબડખાબડ રસ્તા હોવાને કારણે લોકોને આવવા-જવામાં તો મુશ્કેલી પડે છે, પરંતુ સૌથી વધારે મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે કોઈ દર્દીને હોસ્પિટલ લઈ જવાના હોય. ખરાબ રસ્તા હોવાને કારણે 108 ત્યાં પહોંચી શક્તી નથી અને 108 સુધી પહોંચાડવા માટે દર્દીને ખાટલા પર બેસાડી લઈ જવાય છે. રસ્તા ન હોવાને કારણે અનેક વખત મૃતદેહોને પણ લઈ જવામાં લોકોને મુશ્કેલી વેઠવી પડતી હોય છે. અંતરિયાળ વિસ્તારોથી અનેક વખત આવા દ્રશ્યો આપણી સામે આવતા હોય છે જેને જોઈ પૂછવાનું મન થાય કે શું આ લોકો ગુજરાત રાજ્યમાં નથી આવતા?
છોટા ઉદેપુરથી સામે આવ્યા દયનીય દ્રશ્યો
ગુજરાત માટે અનેક વખત આપણે સાંભળીએ છીએ કે ગુજરાત એટલે ગતિશિલ ગુજરાત, ગુજરાત એટલે વિકાસશીલ ગુજરાત વગેરે વગેરે.... પરંતુ લાગે આ વિકાસની વ્યાખ્યામાં ગુજરાતના અંતરિયાળ વિસ્તાર નથી આવતા. કારણ કે અંતરિયાળ વિસ્તાર આજે પણ વિકાસ માટે ઝંખી રહ્યા છે. સારા રસ્તા માટે, પાણી માટે, વીજળી માટે. પ્રકૃતિએ તો તેમને ઘણું બધું આપ્યું છે પરંતુ સરકારે તેમને કંઈ નથી આપ્યું. સરકારે તેમને તો તેમના હકનું પણ નથી આપ્યું. આ વાત અમે છોટા ઉદેપુરથી જે દ્રશ્યો સામે આવ્યા છે તેને જોઈને કહી રહ્યા છીએ. ખરાબ રસ્તા હોવાને કારણે ગ્રામજનોને મૃતદેહને લઈ જવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. લોકોને મૃત્યુના દુ:ખ કરતા ખરાબ રસ્તા હોવાને કારણે દુખી હતા.
આ સમસ્યા એક ગામની નથી પરંતુ અનેક ગામોની છે...!
સરકારને અનેક વખત અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોએ રજૂઆત કરી છે કે અમને સારા રસ્તા બનાઈને આપવામાં આવે. ખરાબ રસ્તા હોવાને કારણે આવન-જાવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમારી ટીમ પણ જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટીંગ માટે આવા અંતરિયાળ વિસ્તારમાં જાય છે ત્યારે પણ સ્થાનિક લોકોની આવી જ માગ હોય છે. સરકારને અનેક વખત રજૂઆત કરી છે પરંતુ હજી સુધી સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો. હવે તો લોકો કરતા સરકાર પર દયા આવવા લાગી છે. 'બિચારી સરકાર' કહેવાનું મન થાય છે. આ માત્ર એક ગામના લોકોની સમસ્યા નથી પરંતુ અનેક અંતરિયાળ વિસ્તારોની સમસ્યા છે જે પ્રકૃતિની નજીક છે પરંતુ સરકારથી દૂર છે.