ગુજરાત અને ગુજરાતીઓ જગવિખ્યાત છે. ખાવા પીવાના અને જમવાના શોખીન ગુજરાતીઓને માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે ગુજરાતીઓ જ્યારે ગુજરાતમાં હોય ત્યારે તે વિદેશી ખાવાનું પસંદ કરે અને જ્યારે વિદેશમાં હોય ત્યારે ગુજરાતી ભોજન શોધે. ત્યારે ગઈકાલે દશેરાની ઉજવણી ધામધૂમથી લોકોએ કરી. ફાફડા-જલેબી વગર દશેરાની ઉજવણી ગુજરાતીઓને અધૂરી લાગે. મોંઘવારી ગમે તેટલી કેમ ન હોય, ગમે તેટલા મોંઘા ફાફડા-જલેબી કેમ ન મળતા હોય પરંતુ દશેરાના દિવસે ફાફડા જલેબી તો ખાવા જ પડે. ત્યારે એક સમાચાર પેપરના રિપોર્ટના આધારે એવી માહિતી સામે આવી છે કે અમદાવાદીઓએ 175 કરોડના ફાફડા જલેબી ખાધા છે. 8.4 લાખ કિલોનું વેચાણ ફાફડા જલેબીનું થયું હોય તેવી માહિતી સામે આવી છે.
18 લાખ કિલો ફાફડાનું અમદાવાદમાં થયું વેચાણ!
નવરાત્રીના દિવસો દરમિયાન માતાજીની આરાધના કરવામાં આવે છે. નવ દિવસ દરમિાયન ખેલૈયાઓ મન મૂકીને ઘૂમ્યા. દશેરાના દિવસ દરમિયાન આપણે ત્યાં ફાફડા જલેબી ખાવાનો રિવાજ છે. ફાફડા જલેબી જ્યાં સુધી આપણે ના ખાઈએ ત્યાં સુધી નવરાત્રી પૂર્ણ નથી થઈ લાગતી. ત્યારે ગઈકાલે 18 લાખ કિલો ફાફડાનું વેચાણ થયું છે અને એ પણ માત્ર અમદાવાદમાં. અમદાવાદીઓ કરોડોના ફાફડા જલેબી ઝાપટી ગયા છે તેવા સમાચાર સામે આવ્યા છે.
175 કરોડનો થયો ફાફડા-જલેબીનો બિઝનેસ!
એક મીડિયા રિપોર્ટ અનુસાર 175 કરોડના ફાફડા જલેબીનું વેચાણ માત્ર અમદાવાદમાં થયું છે. દશેરાની આગલી રાતથી ફાફડા લેવા માટે લોકો લાઈનમાં ઉભા હતા. અનેક કિલોમીટરો સુધીની લાઈનો આપણને જોવા મળી હતી. લાઈન જોઈને લાગતું હતું કે આ લાઈન, આ ભીડ માત્ર સવારે જ હશે પરંતુ સાંજના સમયે પણ અનેક જગ્યાઓ પર લાઈનો જોવા મળી હતી.
ડ્રાયફૂટ કરતા પણ મોંઘા ભાવે વેચાતા હતા ફાફડા-જલેબી!
મોંઘવારીની વાત અનેક વખત આપણે સામાન્ય માણસોના મોંઢે સાંભળી હશે. દરેક વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે તેવી વાતો આપણે કહેતા હોઈએ છીએ. પરંતુ જ્યારે પણ ખરીદીની વાત આવે છે, ખાવા પીવાની વાત આવે છે ત્યારે લોકો ભાવ નથી જોતા. ગમે તેટલી મોંઘી વસ્તુ કેમ ન હોય પરંતુ ખાવા પીવાની વસ્તુઓની વાત આવે ત્યારે આપણને મોંઘવારી નથી જોતા. ડ્રાયફૂટ કરતા પણ મોંઘા ફાફડા જલેબી વેચાઈ રહ્યા હતા પરંતુ ગુજરાતીઓએ પેટ ભરીને ફાફડા ખાધા છે.