ગુજરાતમાં ચૂંટણી પૂર્વે અનેક સમાજો મિટીંગ કરી રહી છે. ત્યારે ગુજરાતની ચૂંટણી પર સૌથી વધારે પ્રભાવ નાખનાર પાટીદાર સમાજની બેઠક યોજાવાની છે. અમદાવાદના ઉમિયા કેમ્પસ સોલા ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ મિટિંગમાં પાટીદાર સમાજની અનેક સંસ્થાઓ ભાગ લેવાની છે ઉપરાંત અનેક સંસ્થાના પ્રમુખ, ટ્રસ્ટી ઉપસ્થિત રહેવાના છે. આ બેઠકમાં ઉમિયાધામ ઊંઝા, ખોડલધામ કાગવડ અને ઉમિયાધામ સિદસરના પ્રમુખ તેમજ ટ્રસ્ટી હાજર રહેશે.
ખોડલધામના ટ્રસ્ટી આ બેઠકમાં નહીં રહે હાજર
બપોરના સમયે પાટીદાર સમાજની બેઠક મળવાની છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર સમાજની આવી બેઠક થવાથી ચૂંટણીના પરિણામ પર આની સીધી અસર થઈ શકે છે. ત્રણ મુખ્ય સંસ્થાઓના પ્રમુખ હાજર રહેવાના હતા. પરંતુ એવી જાહેરાત કરવામાં આવી કે આ બેઠકમાં ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી હાજર નહીં રહે.
અનેક સંસ્થાના પ્રમુખ નથી આપવાના બેઠકમાં હાજરી
આ બેઠકમાં માત્ર બે સંસ્થા ઉમિાયાધામ ઊંઝા અને સિદસર જ હાજર રહેશે. બેઠકમાં ઉપસ્થિત રહેવાનું કારણ જણાવતા વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે કહ્યું કે અમે બહાર છીએ જેથી બેઠકમાં હાજરી નહીં આપી શકીએ. જ્યારે ખોડલધામના ટ્રસ્ટી દિનેશ કુંભાણીએ કહ્યું કે અમને પૂછ્યા વગર આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈ અમે આ બેઠકમાં ભાગ નહીં લઈએ. ખોડલધામના ટ્રેસ્ટીએ કહ્યું કે નરેશભાઈ પણ આ બેઠકમાં હાજરી નહીં આપી શકે. ઉપરાંત શૈક્ષણિક સંસ્થા સરદાર ધામના પ્રમુખે કહ્યું કે અને તો શૈક્ષણિક સંસ્થા છીએ. આ બેઠકમાં ભાગ લઈ અમે શું કરીશું. પાટીદાર સમાજના અનેક આગેવાનો આ બેઠકમાં હાજરી આપવાનું ટાળી રહ્યા છે. શું પાટીદાર સમાજની એકતા ભંગ થઈ રહી છે?
બેઠક પૂર્વે નરેશ પટેલે લીધી છે દિલ્હીની મુલાકાત
આ બેઠક અમદાવાદના સોલા કેમ્પસ ખાતે યોજાઈ રહી છે. વર્લ્ડ પાટીદાર ફેડરેશન દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સી.કે.પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળવાની છે પરંતુ આ બેઠકમાં ખોડલધામના નરેશ પટેલ ઉપસ્થિત નથી રહેવાના. એવું માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણીને અનુલક્ષીને આ બેઠક મળી રહી છે ત્યારે નરેશ પટેલની ગેરહાજરીને કારણે અનેક પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. કારણ કે થોડા દિવસો પહેલાં જ તેઓ દિલ્હીનો પ્રવાસ કરીને આવ્યા છે. જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
આ બેઠકની ચૂંટણી પર પડી શકે છે અસર
પાટીદાર સમાજને એમ પણ ગુજરાતના રાજકારણમાં મહત્વનું માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ સમાજ જે પાર્ટીને સાથે આપે તે પાર્ટીની જીત થઈ જાય છે. ત્યારે આ બેઠકમાં કયા પક્ષને સાથ આપવો તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે. આ બેઠક એવા સમયે યોજાઈ રહી છે જ્યારે ઉમેદવારોના નામની ચર્ચા કરવા સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા છે. આ બેઠક પર તેમજ ભાજપના ઉમેદવારોના નામ પર સૌ કોઈની નજર છે.