શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ થયે અનેક દિવસો વીતી ગયા છે. પરંતુ તેને લઈ ચાલતો વિવાદ બંધ નથી થયો. દિવસેને દિવસે આ મુદ્દો ગરમાતો જઈ રહ્યો છે. મોહનથાળની બદલીમાં ચિક્કીનો પ્રસાદ શરૂ કરતા અનેક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કલેક્ટરને રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ હજી સુધી કોઈ પરિણામ આવ્યું નથી. ત્યારે મળતી માહિતી અનુસાર અંબાજી મંદિરના ગેટ નંબર 7ને તાળુ મારી દેવામાં આવ્યું છે અને જાહેરનામુ લગાવી દેવામાં આવ્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે 24 માર્ચ સુધી કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર ઉપવાસ, ધરણા તેમજ રેલી યોજી શકાશે નહીં.
મોહનથાળ ફરી શરૂ કરવા કલેક્ટરને કરાઈ રજૂઆત
શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રસાદ સ્વરૂપે આપવામાં આવતો મોહનથાળનો પ્રસાદ અચાનક બંધ કરી દેવાયો હતો અને ચિક્કીનો પ્રસાદ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જેને લઈ માઈભક્તોમાં ભારે નારાજગી જોવા મળી હતી. મોહનથાળ પ્રસાદ ફરી શરૂ થાય તે માટે વિવિધ સંગઠનો દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મોહનથાળ ફરી શરૂ થાય તેવી માગ કરવામાં આવી હતી. આ મુદ્દાને લઈ દાંતાના રાજવી પરિવારે પણ ઝંપલાવ્યું છે. રાજવી પરિવારે હાઈકોર્ટમાં જવાની પણ તૈયારી દર્શાવી હતી.
ગેટ નંબર 7 બહાર લગાવવામાં આવી સૂચના!
વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ધરણા પણ કરવામાં આવ્યા હતા ઉપરાંત અનેક મંદિરોમાં જઈ મોહનથાળનું વિતરણ પણ કર્યું હતું. તે ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ આ મુદ્દાઓને લઈ વિરોધ નોંધાવામાં આવ્યો હતો. શક્તિપીઠ અંબાજી ખાતે પણ સંગઠનો દ્વારા વિનામૂલ્યે મોહનથાળનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. પરંતુ તેનું વિતરણ એકાએક બંધ થઈ ગયું છે. ઉપરાંત ગેટ નંબર 7 દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને નોટીસ લગાવવામાં આવી છે કે 24 માર્ચ સુધી કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વિના ઉપવાસ, ધરણા, રેલી યોજી શકાશે નહીં.