ચોમાસું ક્યારે આવશે...? આ ગરમીથી તો હવે કંટાળી ગયા.. આ વાક્યો અનેક વખત આપણે બોલ્યા હોઈશું અથવા તો સાંભળ્યા હશે કારણ કે ગરમીનો પ્રકોપ લોકો કરી રહ્યા છે.. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી આંશિક રાહત મળી હતી પરંતુ ફરીથી ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો હવામાન વિભાગની આગાહી પ્રમાણે 31મે સુધી કેરળમાં મોનસુનનો પ્રવેશ થઈ શકે છે.. ત્યારે ગુજરાતમાં વરસાદ ક્યારે આવશે તેનું અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.
ગુજરાતના અનેક ભાગોમાં આવી શકે છે વરસાદ
જ્યારે જ્યારે વરસાદને લઈ આગાહી જાણવી હોય ત્યારે અંબાલાલ પટેલ તેમજ હવામાન વિભાગની આગાહી પર વધારે ધ્યાન આપવામાં આવતું હોય છે.. હવામાન નિષ્ણાત અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવતી આગાહી મુખ્યત્વે સાચી સાબિત થતી હોય છે તેવું માનવામાં આવે છે. ત્યારે આ વર્ષે ગુજરાતમાં ક્યારથી વરસાદ થશે તેની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.. તેમની આગાહી અનુસાર રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 4 જુન સુધીમાં આંધી વંટોળ સાથે પ્રી- મોનસુન એક્ટિવિટી શરૂ થશે જેને કારણે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે.
શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી?
અંબાલાલ પટેલની આગાહી અનુસાર ચાર જૂન સુધીમાં વડોદરા, નડિયાદ, આણંદ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.. 8 થી 14 જુન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડુ બનવાની શક્યતાઓ રહેલી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી 14 જુનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહશે. આ વર્ષે ચોમાસું સારૂં રહેશે તેવી વાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં 7થી 14 જૂન વચ્ચે ચોમાસું આવી શકે છે તેવું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે..
ગરમીથી લોકો પોકારી ઉઠ્યા છે ત્રાહિમામ
મહત્વનું છે કે ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.. 46 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો પહોંચ્યો હતો. બપોરના સમયે ઘરની બહાર જો નિકળવું પડે તો લોકો સો વખત વિચાર કરે છે કે જવું કે નહીં.. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત થાય તેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.. આ વખતે ચોમાસું વહેલું બેસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.