વધતી ગરમીને કારણે લોકો ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. બિપોરજોયને કારણે થોડા દિવસો માટે ઠંડક પ્રસરી હતી પરંતુ ફરીથી ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. આમ તો ગુજરાતમાં ચોમાસું 15 જૂનની આસપાસ બેસી જવાનું હતું પરંતુ હવે ચોમાસાનું આગમન થોડું મોડા થશે. હવે ચોમાસુ 27 જૂન સુધી લંબાયું છે અને તે ચિંતાની વાત છે. એટલું જ નહીં આ વર્ષે વાવાઝોડાના કારણે ચોમાસાની સિસ્ટમ પર અસર થઈ છે. ખાનગી હવામાન એજન્સીના અહેવાલ મુજબ બિપરજોય વાવાઝોડા બાદ હવે બંગાળની ખાડી ફરી એક્ટિવ થશે અને તેમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાશે.આ લૉ-પ્રેશર એરિયા જમીન પર ઝડપથી આવશે અને મધ્ય ભારતના વિસ્તારો તરફ આગળ વધશે.
ચોમાસાની સિસ્ટમ પર વાવાઝોડાને કારણે પડી અસર!
બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાત તેમજ રાજસ્થાનમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે હવે જે લો પ્રેશર સર્જાશે તેને કારણે ઓડિશા, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં તેના કારણે ભારે વરસાદ થવાની શક્યતા દેખાઇ રહી છે. જૂન મહિનાના અંત સુધીમાં આ સિસ્ટમ નબળી પડી જશે પરંતુ તે ગુજરાત અને રાજસ્થાન તરફ આવે તેવી શક્યતાઓ છે. જેના કારણે ગુજરાત અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. બીજી તરફ પવનની દિશા પણ ફંટાઇ ગઇ હતી. જેના કારણે ચોમાસાની સિસ્ટમ હાલમાં તૈયાર થયેલી જોવા મળતી નથી. જેના કારણે ચોમાસું 7 દિવસ મોડું ગુજરાતમાં પ્રવેશે તેવી સંભાવના છે
હવામાન વિભાગે કરી આ આગાહી
હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતી એ કહ્યું છે કે ગુજરાતમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની શક્યતા છે. કારણે કે, ભેજ આવી રહ્યો છે. જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. જોકે, ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે તેની કોઈ સ્પષ્ટતા કરી નથી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી દિવસોમાં પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.
વરસાદને લઈ અંબાલાલ પટેલે કહ્યું કે
આ સિવાય હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાએ પણ કંઈક આવી જ આગાહી કરી છે. અંબાબલ કાકા એ કહ્યું કે વાવાઝોડાની અસર ચોમાસાની સિસ્ટમ પર પડી છે જેને કારણે ચોમાસું ક્યારે બેસશે તેની આગાહી કરવી મુશ્કેલ છે. ગુજરાતમાં 25થી 30 જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદ આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. રવિવારની આસપાસ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે. શરૂઆતમાં જ ધોધમાર વરસાદ થશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે.