જ્યારે રાજીવ ગાંધી સરકારે રેકોર્ડ બ્રેક 63 સાંસદોને કર્યા હતા સસ્પેન્ડ, શું છે સસ્પેન્શનના નિયમો? જાણો


  • Published By :
  • Published Date : 2023-12-18 21:17:52

આજે સોમવાર (18 ડિસેમ્બર, 2023)ની તારીખ ભારતના સંસદીય ઈતિહાસમાં એક 'કાળા દિવસ' તરીકે ઓળખાશે. આજે વધુ 78 સભ્યો (33 લોકસભા અને 45 રાજ્યસભા)ને સંસદના શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો અગાઉના 14 સાંસદો (લોકસભામાંથી 13 અને રાજ્યસભામાંથી એક)નો સમાવેશ કરીએ તો આ સત્રમાં 92 સભ્યોને હોબાળો અને અભદ્ર વર્તન-વ્યવહારના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 17મી લોકસભામાં સભ્યોને સસ્પેન્ડ કરવાનો આ કદાચ રેકોર્ડ બની ગયો છે. જો કે તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે વિપક્ષી સાંસદને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય. અગાઉ સાંસદોને તેમના ખરાબ વર્તન અને આચરણને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ સાંસદોને સસ્પેન્ડ કરવાના નિયમો અને તેના કારણો વિશે.


2019 થી 2023 સુધી 149 સાંસદો સસ્પેન્ડ 


2019 થી 2023 સુધી ઓછામાં ઓછા 149 સાંસદોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે (શિયાળુ સત્ર સિવાય), પરંતુ 2023ના શિયાળુ સત્રે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ સત્રમાં જ બંને ગૃહોના 92 સભ્યોને (18 ડિસેમ્બર સુધી) સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.


માર્ચ 1989માં 63 સાંસદો સસ્પેન્ડ થયા હતા  


1989 માં, જ્યારે રાજીવ ગાંધી સત્તામાં હતા, ત્યારે 15 માર્ચે 63 સાંસદોને એક સાથે લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં સાંસદોને એક સાથે ક્યારેય એક ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. ઠક્કર કમિશનનો અહેવાલ (ઇન્ડિયન એક્સપ્રેસ અખબારમાં) લીક થયા બાદ થયેલા હોબાળા પર આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઈન્દિરા ગાંધીની હત્યાની તપાસ માટે જસ્ટિસ ઠક્કરની અધ્યક્ષતામાં કમિશનની રચના કરવામાં આવી હતી. તેના વિરોધમાં ચાર સાંસદો - સૈયદ શહાબુદ્દીન, જીએમ બનાતવાલા, એમએસ ગિલ અને શમિંદર સિંહે પણ વોકઆઉટ કર્યું હતું.


સ્પીકરનું માઈક ઉખેડનારા સાંસદ સામે કોઈ કાર્યવાહી નહીં


20 જુલાઈ, 1989ના રોજ એવું બન્યું કે સત્યગોપાલ મિશ્રાએ સ્પીકરની સામે રહેતું માઈક ઉખાડીને ફેંકી દીધું હતું. આ હોવા છતાં કોઈ સસ્પેન્શન થયું નહોતું. વિપક્ષ કેગની ટિપ્પણીઓને ટાંકીને સરકારના રાજીનામાની માંગ કરી રહ્યો હતો. તે સમયે શીલા દીક્ષિત સંસદીય કાર્ય મંત્રી હતા.


ભાજપે પણ હંગામાનો રેકોર્ડ બનાવ્યો છે


PRS લેજિસ્લેટિવ રિસર્ચ અનુસાર, 2010નું શિયાળુ સત્ર 1999 પછી પ્રોડક્ટીવીટીની દ્રષ્ટિએ સૌથી ખરાબ રહ્યું હતું. તે સમયે ભાજપ વિપક્ષમાં હતો. પાર્ટીએ 2જી સ્પેક્ટ્રમ લાયસન્સ ફાળવણીમાં કેગ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોની તપાસ કરવા માટે સંયુક્ત તપાસ સમિતિ (જેપીસી)ની રચનાની માગણી કરતા બંને ગૃહોની કાર્યવાહીને સંપૂર્ણપણે ખોરવી નાખી હતી. PRSના ડેટા અનુસાર, તે સત્રમાં રાજ્યસભાની પ્રોડક્ટીવીટી માત્ર બે ટકા અને લોકસભાની 6 ટકા  પ્રોડક્ટીવીટી ઘટી ગઈ હતી. વર્ષ 2010માં જ રાજ્યસભામાં એક મંત્રીના હાથમાંથી મહિલા અનામત બિલ છીનવી લેવા બદલ સાત સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.


રાજ્યસભામાં સસ્પેન્શન સંબંધિત નિયમો શું છે?


રાજ્યસભાના કિસ્સામાં સસ્પેન્શન સંબંધિત નિયમ 256માં આપવામાં આવ્યા છે. આ નિયમો અનુસાર, જો અધ્યક્ષ જરૂરી સમજે તો, તે અધ્યક્ષની અવગણના કરનાર અથવા રાજ્યસભાના નિયમોનો દુરુપયોગ કરીને વારંવાર અને જાણી જોઈને રાજ્યસભાના કામમાં અવરોધ ઉભો કરનાર સાંસદને સસ્પેન્ડ કરી શકે છે. અધ્યક્ષ સત્રના અંત સુધી અથવા સત્રના કેટલાક દિવસો સુધી આવા સમયગાળા માટે રાજ્યસભાની સેવામાંથી કોઈ સભ્યને સસ્પેન્ડ કરી શકે છે. સસ્પેન્શન થતાંની સાથે જ રાજ્યસભાના સભ્યે તરત જ ગૃહ છોડવું પડશે. સસ્પેન્શન પણ પાછું ખેંચી શકાય છે, પરંતુ તેના માટે શરત એ હશે કે તેણે પોતાના વર્તન માટે માફી માંગવી પડશે.


લોકસભામાં સસ્પેન્શન કયા નિયમથી થાય છે?


લોકસભામાં સ્પીકર આ અધિકાર નિયમો 373 અને 374 હેઠળ મળેલા છે. લોકસભાના નિયમ નંબર 373 મુજબ, જો લોકસભાના અધ્યક્ષને લાગે છે કે કોઈ સાંસદ સતત ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડી રહ્યો છે, તો તે તેને તે દિવસ માટે ગૃહમાંથી બહાર કરી શકે છે અથવા તો તેને બાકીના સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ પણ કરી શકે છે. .  


સાંસદોને કોણ સસ્પેન્ડ કરી શકે?


સભ્યોને સસ્પેન્ડ કરતી વખતે, અધ્યક્ષ અથવા સ્પિકરે સંબંધિત સાંસદના વર્તન અને વ્યવહારનું મૂલ્યાંકન કરવાનું હોય છે. તે નક્કી કરે છે કે સંબંધિત સાંસદને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે કે નહીં. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે સાંસદને સસ્પેન્ડ કરવાનો અર્થ તેનું સંસદનું સભ્યપદ ગુમાવવું તે નથી. તેઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરીકે તેમના પદ પર યથાવત રહે છે. જો કે, સસ્પેન્શનના સમયગાળા દરમિયાન તેમને ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાની મનાઈ છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?